02 November, 2024 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
મુંબઈમાં સતત ગઈકાલથી આગ લાગવાના (Mumbai Fire News) સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગોરેગાંવમાં એક રેસિડેન્શિયલ હાઈરાઈઝમાં આગ ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ આગમાં બે માણસોના શ્વાસ રૂંધાઈ ગયા હતા.
ક્યારે અને ક્યાં બની આ ઘટના?
તમને જણાવી દઈએ કે આ ઘટના આજે બપોરે 12.49 વાગ્યે બની હતી. ગોરેગાંવ પશ્ચિમમાં રહેણાંક હાઇ-રાઇઝમાં આ આગ લાગી હતી. 31- માળની ઊંચી કલ્પતરુ રેડિયન્સના ગ્રાઉન્ડના બીજા માળે આગ ફાટી નીકળી હતી. ઘાયલોને તાબડતોબ ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓની ગંભીર હાલત વચ્ચે સારવાર કરવામાં આવી રહી હતી. જેમાં તેઓએ પ્રાણ ગુમાવ્યા છે.
બીજે માળ સુધી આગની જ્વાળાઓ પહોંચી
આ જે આગ લાગી હતી તે લેવલ-LI બ્લેઝમાં લાગી હતી. આગ ફાટી (Mumbai Fire News) નીકળતા જ આગની મોટી મોટી જ્વાળાઓ 31 માળના આ રહેણાંક બિલ્ડિંગના બીજા માળ સુધી પહોંચી હતી. ધીમે ધીમે આ આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને ઘરની વસ્તુઓ સુધી વિસ્તરી હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ પોડિયમ સુધી આ આગ પહોંચી હતી.
મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ આગ અંગેની માહિતી મળતાં જ તાત્કાલિક ઇમરજન્સીમાં પ્રતિક્રિયા આપી હતી અને તે 2:18 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગની ઘટનામાં ફાયર વિભાગની મહેનત મુદ્દે અધિકારીઓ જણાવે છે કે અગ્નિશામકોએ પરિસ્થિતિને સફળતાપૂર્વક સમાવીને આગને અન્ય માળ સુધી ફેલાતી અટકાવવા માટે ખંતપૂર્વક કામ કર્યું હતું.
શ્વાસ રૂંધાઈ જવાને કારણે બેનાં મોત
અત્યાર સુધી નુકસાન અંગેના કોઈ ખાસ અહેવાલ સામે આવ્યા નથી, માત્ર એટલી જ માહિતી સામે આવી છે કે બે વ્યક્તિઓ ધુમાડાને કારણે ખૂબ જ પરેશાન થયા હતા. અને શ્વાસ રૂંધાઈ જવાને કારણે તેઓનું મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ મનોજ ચૌહાણ અને 50 વર્ષી શહાબુદ્દીન તરીકે થઈ છે. આ બંને સિવાય તો બિલ્ડિંગના અન્ય રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, અને વધુ કોઈ ઈજાના અહેવાલ નથી.
Mumbai Fire News: આગનું કારણ હજુ તપાસ હેઠળ છે અને નાગરિક સત્તાવાળાઓ આગને કારણે થયેલા નુકસાનની હદનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આ આગ કયા કારણોસર લાગી છે તે મુદ્દે હજી સુધી કોઈ વિગતવાર જાણ થઈ શકી નથી.
દિવાળીના માહોલ વચ્ચે ઠેર ઠેર આગની ઘટના
અત્યારે ઠેરઠેર દિવાળીના તહેવારની ઉજવણી ચાલી રહી છે. આ વચ્ચે આગ લાગવાની (Mumbai Fire News) ઘટનાઓ સામે આવી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં તો આગની ચાર ઘટનાઓ નોંધાઈ હતી. શુક્રવારે મુંબઈ શહેરમાં બે આગ ફાટી નીકળી હતી. જ્યારે થાણેમાં શનિવારે વહેલી સવારે બે ઘટનાઓ નોંધાઈ હતી.