૨૦૨૪માં મુંબઈમાં આગની ૫૨૯૬ ઘટનામાં ૨૧ લોકોનાં મોત, ૧૭૬ ઘાયલ

04 January, 2025 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં વધી રહેલાં ગગનચુંબી મકાનો અને ઝૂંપડપટ્ટીઓને લીધે આગની ઘણી ઘટનાઓ બનતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોઈ પણ બિ‌લ્ડિંગને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવા પહેલાં ફાયર-બ્રિગેડનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવું ફ‌રજિયાત હોય છે અને એમાં આગ લાગવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય એ માટે ઘણી કન્ડિશન્સ મૂકવામાં આવી હોય છે જેને અમલમાં મૂકવામાં આવે તો જ NOC આપવામાં આવતું હોય છે. આમ છતાં ગયા વર્ષે મુંબઈમાં આગની નાની-મોટી ૫૨૯૬ ઘટના બની હતી જેમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૭૬ જણ ઘાયલ થયા હતા. ૨૦૨૩માં પણ મોટી આટલી જ આગની ઘટનાઓ બની હતી. આગના ૫૦૭૬ બનાવમાં ૩૦ લોકોનાં મૃત્યુ સાથે ૩૦૩ વ્યક્તિ ઘાયલ થઈ હતી.

મુંબઈમાં વધી રહેલાં ગગનચુંબી મકાનો અને ઝૂંપડપટ્ટીઓને લીધે આગની ઘણી ઘટનાઓ બનતી હોય છે. અમુક કેસમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ ન કરતી હોવાને લીધે પણ આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જે પણ બિ‌લ્ડિંગમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ ન કરતી હોય તેમને એ ઍક્ટિવ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટ ૧૨૦ દિવસનો સમય આપે છે. એમ છતાં જો ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં સુધારો ન કરવામાં આવે તો એ બિ‌લ્ડિંગનાં લાઇટ અને પાણી કાપી નાખવામાં આવે છે.

mumbai fire brigade fire incident mumbai mumbai news