09 December, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં અવારનવાર આગની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી ગોરેગાંવમાં એક આગની ઘટના બની છે. ગોરેગાંવમાં એક છ માળની ઈમારતમાં શનિવારે સવારે આગ લાગી હતી. સદનસીબે, કોઈ જાનહાની નોંધાઈ નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, ગોરેગાંવ (વેસ્ટ)માં મૃણાલ તાઈ ગોર બ્રિજ પાસે સ્થિત અસ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સવારે 11.02 વાગ્યે આગ લાગી હતી. આ ઘટનાની જાણ BMCના મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા કરવામાં આવી હતી.
તે "લેવલ-વન" આગ હતી, જે છ માળની ઇમારતના ત્રીજા માળે આવેલી ત્રણથી ચાર દુકાનો સુધી મર્યાદિત હતી, એમ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું.
મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને નાગરિક અધિકારીઓ સહિતની કટોકટીની સેવાઓએ પાણીના ટેન્કરો અને એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક પ્રતિક્રિયા આપી. નાગરિક સંસ્થાએ પુષ્ટિ કરી હતી કે કોઈ ઇજાના અહેવાલ નથી.
નોંધનીય છે કે બોમ્બે હાઈકોર્ટે બુધવારે ફાયર સેફ્ટીના નિયમો અને નિયમોના અમલીકરણ માટે મહારાષ્ટ્ર સરકારની ફટકાર લગાવી હતી. મુંબઈમાં દર બીજા દિવસે આગની ઘટના બને છે જેમાં લોકો જીવ ગુમાવે છે, એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મામલે કોઈપણ પ્રકારની ઢીલ સ્વીકારી શકાય નહીં.
સીજે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આગની ઘટનાઓ વધી રહી હોવાનું જણાય છે. આ શહેરમાં દર બીજા દિવસે આગની ઘટના બને છે અને લોકોના જીવ ગુમાવવાના અહેવાલો છે. કોર્ટે કહ્યું કે સરકારને કયા પગલા ભરવાની જરૂર છે તે અંગે કહેતાં રહેવું તે તેનું કામ નથી.
સીજે ઉપાધ્યાયે ઉમેર્યુ કે, આ બધું શું છે? શું અમે તમને (સરકારને) દરેક કાર્યવાહી માટે પ્રોમ્પ્ટ કરવા માટે અહીં બેઠા છીએ? શું આ અમારું કામ છે? અહીં આ બધું શું થઈ રહ્યું છે? બેન્ચે તાજેતરમાં સાઉથ મુંબઈમાં ચાર માળની રહેણાંક ઇમારતમાં આગની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક 82 વર્ષીય મહિલા અને તેના 60 વર્ષના પુત્રએ જીવ ગુમાવ્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે જે રીતે આ બે મૃત્યુ થયા છે. શું તમે (સરકાર) આ શહેરના લોકો માટે... તેમના પ્રિય કુટુંબના સભ્યોને આ રીતે ગુમાવવા માંગો છો?