16 January, 2025 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરા રેક્લેમેશન વિસ્તારમાં છવાયેલું ધુમ્મસ. (તસવીર : રાણે આશિષ)
મુંબઈમાં ઠંડીમાં ઘટાડો થયો હોવા છતાં ગઈ કાલે અનેક વિસ્તારમાં આખો દિવસ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ ધુમ્મસને લીધે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. હવામાન વિભાગના મતે હવાની ગતિ ઓછી થવાને લીધે હવાના રજકણો ઉપરની તરફ જઈ નહોતા શક્યા એટલે મુંબઈના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસવાળું વાતાવરણ રહેવાને લીધે હવાની ક્વૉલિટી પણ થોડી ખરાબ થઈ હતી.
ભારતીય વેધશાળાના મુંબઈ વિભાગના ડિરેક્ટર સુનીલ કાંબળેના જણાવ્યા મુજબ ‘મુંબઈમાં અત્યારે હવાની ઝડપ ઝીરો થઈ ગઈ છે. હવાની સ્પીડ સારી હોય છે ત્યારે રજકણો હવાની દિશાની તરફ ઊડી જાય છે અથવા તો આકાશમાં ઊંચે જતા રહે છે, પણ હવા જ્યારે સાવ રોકાઈ જાય છે ત્યારે આ રજકણો જ્યાં હોય ત્યાં સ્થિર થઈ જાય છે, જેને લીધે ધુમ્મસ નિર્માણ થવાની સાથે વિઝિબિલિટીની સમસ્યા ઊભી થાય છે. શિયાળામાં અમુક દિવસ આવું બનતું હોય છે. એકાદ-બે દિવસ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે.’
મુંબઈમાં જરા પણ હવા ન હોવાથી થોડું ચાલવામાં પણ લોકો થાક અનુભવતા હતા. આવા વાતાવરણમાં રાતના તાપમાનમાં પણ સામાન્ય કરતાં ૩.૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. સામાન્ય રીતે ૧૭ ડિગ્રી તાપમાન રહેવું જોઈએ, પણ એની સામે ગઈ કાલે ૨૦.૩ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું.