29 December, 2024 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠી ફિલ્મોની અભિનેત્રી ઊર્મિલા કાનેટકર-કોઠારેની કારનો શુક્રવારે રાતે અકસ્માત થયો
મરાઠી ફિલ્મોની અભિનેત્રી ઊર્મિલા કાનેટકર-કોઠારેની કારનો શુક્રવારે રાતે અકસ્માત થયો હતો. કાંદિવલી-ઈસ્ટમાં પોઇસર મેટ્રો સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. તે અને તેનો ડ્રાઇવર શૂટિંગ પરથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે તેના ડ્રાઇવરે કાર પૂરઝડપે ચલાવી બે મજૂરોને અડફેટે લીધા હતા જેમાંથી એક મજૂરનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચી છે.
આ અકસ્માત વખતે ઍરબૅગ્સ ખૂલી જતાં ઊર્મિલા અને તેનો ડ્રાઇવર બચી ગયાં હતાં. જોકે તેમને થોડી મામૂલી ઈજા થઈ હતી પણ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સમતાનગર પોલીસે આ સંદર્ભે ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોત નીપજાવ્યાનો ગુનો નોંધ્યો હતો.
ઊર્મિલા કાનેટકરે ‘દુનિયાદારી’, ‘શુભ મંગલ સાવધાન’ અને ટીવી-સિરિયલ ‘તી સધ્યા કાય કરતે’માં અભિનય કર્યો છે અને મરાઠી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે મરાઠી ફિલ્મોના પીઢ અભિનેતા મહેશ કોઠારેના દીકરા આદિનાથ કોઠારે જોડે લગ્ન કર્યાં છે.