01 January, 2024 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)ના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિરને લઈને અયોધ્યા સિવાય અન્ય રાજ્યોમાં પણ દિવાળી જેવી ખુશી છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (Eknath Shinde)એ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈમાં દિવાળી (Mumbai Diwali) મનાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યપ્રધાને BMC કમિશનરને રામ મંદિરના ઉદ્ઘાટનના અવસરને યાદગાર બનાવવા માટે મુંબઈના તમામ મંદિરો અને મુખ્ય ઈમારતો લાઇટિંગ કરવા જણાવ્યું છે.
મુંબઈમાં સ્વચ્છતા અભિયાનને સંબોધતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, “22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. હું BMC કમિશનરને આખા મુંબઈ શહેરમાં દિવાળી ઊજવવા કહેવા માગુ છું. મંદિરો અને ઈમારતો પર પણ ડેકોરેટિવ લાઈટો (Mumbai Diwali) લગાવવી જોઈએ.” મુખ્યપ્રધાને કહ્યું કે, રામ મંદિર સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે અને ભગવાન રામના ભક્તોનું સ્વપ્ન હતું. તેમણે કહ્યું, “મોદીજીએ રામ મંદિર બનાવવાનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાન મોદી જે કહે છે તે પૂર્ણ કરે છે. બધાને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે.”
જ્યારે પૂછવામાં આવ્યું કે શું રામ મંદિરના ઉદ્ઘાટનનો રાજકીય લાભ (Mumbai Diwali) માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે શિંદેએ કહ્યું કે, રામ મંદિર લોકોની આસ્થાનો મામલો છે, તેથી તે રાજકીય મુદ્દો ન હોઈ શકે. આડકતરી રીતે પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જે લોકો ઘરેથી કામ કરવા માટે જાણીતા છે તેઓ કાયમ માટે ઘરે બેસી જશે.
`હવે PMO અને BJP ઑફિસ અયોધ્યાથી ચાલશે’: સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવશે, જેના કારણે અગાઉ રામ મંદિર (Ram Mandir)ના અભિષેક સમારોહના આમંત્રણને લઈને રાજકીય લડાઈ જોવા મળી હતી. હવે 22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાના ભાજપના એલાન પર ફરી રાજકારણ શરૂ થયું છે. તેના જવાબમાં શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું છે કે, ભાજપે દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની જરૂર નથી. રામ આ દેશની ઓળખ અને સંસ્કૃતિ છે. રામ આખા દેશ અને વિશ્વના છે.”
`ભાજપની સરકાર અયોધ્યામાંથી ચાલશે`
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) વધુમાં કહ્યું કે, “જો કોઈ એક પક્ષ કહે છે કે રામ અમારા છે તો તેઓ રામને બદનામ કરે છે. અમારી પાર્ટીએ રામ માટે બલિદાન આપ્યા છે.” તેમણે કહ્યું કે, “હવે મને લાગે છે કે ભાજપની સરકાર અયોધ્યામાંથી જ ચાલશે. પીએમઓથી લઈને બીજેપી ઓફિસ સુધી, બધું અયોધ્યાથી જ ચાલશે.”