21 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાઇબર ક્રિમીનલ્સે 86 વર્ષીય વૃદ્ધાને મની લૉન્ડરિંગના આરોપમાં ફસાવી હતી. આ ગુનેગારોએ મહિલા પર દબાણ બનાવ્યું કે જો તેણે સહકાર ન આપ્યો તો તેની ધરપકડ કરવામાં આવશે અને તેના પરિવારજનોની પણ ધરપકડ કરવામાં આવશે. આ ભયના માહોલમાં ગુનેગારોએ વૃદ્ધા પાસેથી ધીરેધીરે 20 કરોડ રૂપિયા પડાવી લીધા. ઠગોએ એવો પણ દાવો કર્યો કે તે સીબીઆઈ (CBI)ના અધિકારી છે અને કેસને વધુ વિશ્વસનીય બનાવવા માટે તેમણે વોટ્સએપ કૉલ પર નકલી અદાલતી કાર્યવાહી પણ બતાવી હતી. ઘટનાના બે મહિનામાં ઠગો વૃદ્ધાને દર ત્રણ કલાકે ફોન કરતા અને તેને ઘરની બહાર ન જવા માટે ચેતવણી આપતા. આ મહિલાને લગભગ બે મહિનાથી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે.
ઠગાઈની શરૂઆત કેવી રીતે થઈ?
પોલીસ મુજબ, આ કેસની શરૂઆત એક ફોન કૉલથી થઈ હતી. `સંદીપ રાવ` નામના વ્યક્તિએ પોતાને સીબીઆઈનો અધિકારી જણાવીને મહિલાને ફોન કર્યો હતો. તેણે મહિલાને ધમકી આપી કે તેના નામે એક બૅન્ક ખાતું ખોલવામાં આવ્યું છે જેનો ઉપયોગ મની લૉન્ડરિંગ માટે કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી કરનારાઓએ મહિલાને કહ્યું કે આ ખાતા મારફતે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કૉલ દરમિયાન તેણે મહિલા પર દબાણ બનાવ્યું કે તેના પરિવારજનોની ધરપકડ થઈ શકે છે અને તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. તેણે વધુમાં કહ્યું કે મહિલા વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ અને ફ્રીઝ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહિલાએ આપ્યા કરોડો રૂપિયા
ગુનેગારોએ મહિલા માટે ભયનો માહોલ ઉભો કર્યો અને કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટના અંતર્ગત તેને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેના બદલે, મહિલા સાથે ઈ-ઈન્વેસ્ટિગેશન કરવામાં આવશે. આ તપાસના બહાને મહિલાને તેની તમામ બેન્ક વિગતો અને સંપૂર્ણ બચત એક નકલી અદાલતી ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. ઠગોએ કહ્યું કે આ નકલી અદાલતી ખાતામાં પૈસા સુરક્ષિત રહેશે અને તપાસ પૂરી થયા પછી તે પૈસા પરત આપવામાં આવશે.
આ રીતે ઝડપાયા આરોપીઓ
આ વૃદ્ધા સાથેની ઠગાઈના બે મહિનામાં તે માત્ર ખાવા માટે જ પોતાના રૂમની બહાર આવતી અને બાકીના સમય પોતાના રૂમમાં જ રહતી. તેના વર્તનમાં આ અચાનક પરિવર્તનને ધ્યાનમાં રાખીને તેના ઘરમાં કામ કરતી સાહાયિકા (મદદનીશ)એ આ વિશે વૃદ્ધાની દીકરીને જાણ કરી. વિગતવાર તપાસ બાદ 4 માર્ચે પોલીસે FIR નોંધાવી. ત્યારબાદ પોલીસે જુદી-જુદી જગ્યાઓ પર દરોડા પાડ્યા અને મલાડમાંથી શયાન શેખ (20) અને મીરા રોડથી રાઝિક બટ (20)ને પકડી પાડ્યા. પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે શેખના ખાતામાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે બટના ખાતામાં 9 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. બટે આ પૈસા અન્ય એક આરોપીને આપ્યા હતા, જેણે આ રકમ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દીધી હતી.