હીરાના વેપારીને હીરાબજારમાં હાર્ટ-અટૅક આવી ગયો

14 December, 2024 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના ૪૪ વર્ષના સેક્રેટરી સચિન શાહ ગઈ કાલે બપોરે વૉશરૂમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે એકદમ જ ફસડાઈ પડ્યા અને બે-ચાર ક્ષણમાં તો તેમણે રિસ્પૉન્સ આપવાનું બંધ કરી દીધું

MDMAના બન્ને સેક્રેટરી (ડાબેથી) સચિન શાહ અને રાજન પરીખ હળવી પળોમાં

મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના ભારત ડાયમન્ડ બુર્સમાં આવેલા ધ મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન (MDMA)ના હૉલમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે એના સેક્રેટરી સચિન શાહનું હાર્ટ-અટૅકને લીધે મૃત્યુ થયું હતું. અટૅક આવતાં તેમને નજીકની એશિયન હાર્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. તેમની અચાનક વિદાયથી હીરાબજારમાં સોપો પડી ગયો હતો અને વેપારી, દલાલભાઈઓમાં આની જ ચર્ચા થઈ રહી હતી. આ ઘટનાને પગલે બપોર પછી હૉલ બંધ કરી દેવામાં આવ્યો હતો. 

સચિન શાહની સાથે બનેલી આ ઘટના વિશે માહિતી આપતાં MDMAના જૉઇન્ટ સેક્રેટરી રાજન પરીખે ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ’૪૪ વર્ષના સચિનભાઈ ગઈ કાલે આ ઘટના બની ત્યારે અમારા ડાયમન્ડ હૉલમાં જ હતા. તેઓ હૉલના વૉશરૂમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે જ ફસડાઈ પડ્યા હતા. એ વખતે તેમના એક કઝિન અને આપણા મેમ્બર વૉશરૂમ જઈ રહ્યા હતા, તેમણે તરત જ બીજા ભાઈઓની મદદથી તેમને ખુરસી પર બેસાડ્યા હતા, પણ બે-ચાર ક્ષણોમાં જ તેમણે રિસ્પૉન્સ આપવાનો બંધ કરી દીધો હતો એટલે ઍમ્બ્યુલન્સમાં તેમને એશિયન હાર્ટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. આ બાબતની જાણ BKC પોલીસને કરતાં એમણે આવીને મૃતદેહનો તાબો લીધો હતો અને સાયન હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો હતો.’ 

એકદમ ફિટ હતા, પણ સવારે ઍસિડિટીની ફરિયાદ કરેલી

હીરાબજારમાં સચિન શાહના અવસાનના સમાચાર વાયુવેગે ફરી વળ્યા હતા અને દરેક વેપારીએ દિલસોજી વ્યક્ત કરી હતી. સચિન શાહ વિશે જણાવતાં રાજન પરીખે વધુમાં કહ્યું હતું કે ‘મૂળ પાલનપુરના સચિનભાઈના પિતા અ​રવિંદભાઈ પણ હીરાબજારમાં વર્ષોથી સક્રિય હતા. એ પછી સચિનભાઈ પણ પોતાનું ટ્રેડિંગ કરતા હતા. એકદમ વ્યવહારુ માણસ, MDMAમાં એકદમ ઍક્ટિવ. કોઈ પણ મેમ્બરને કોઈ સમસ્યા હોય તો તે સચિનભાઈ પાસે જાય તો તેઓ એકદમ પૉઝિટિવલી એ સમસ્યાનું નિરાકારણ લાવે અને એ તેમની ખૂબી હતી. એકદમ ફિટ અને પરગજુ. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ MDMAમાં સેક્રેટરી હતા અને તેમણે MDMAને ઉપર લાવવામાં બહુ જ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ જિમમાં પણ જતા હતા. ગુરુવારે બુર્સની એક મીટિંગ હતી એમાં અમે સાથે જ હતા, તેમને કોઈ સમસ્યા હોય એવું લાગતું નહોતું. અમને પછીથી ખબર પડી કે ગઈ કાલે સવારે તેમણે તેમનાં વાઇફ હર્ષલબહેનને કહ્યું હતું કે થોડું ઍસિડિટી જેવું લાગે છે અને ત્યાર બાદ તેમણે કોઈ દવા પણ લીધી હતી, પણ આવું બની જશે એવી કોઈ જ કલ્પના નહોતી. તેમના પરિવારમાં તેમનાં પત્ની હર્ષલબહેન, દીકરી આશના અને દીકરો છે. ત્રણેક મહિના પહેલાં જ દીકરો અમેરિકા ભણવા ગયો છે. શનિવારે મધરાત બાદ અથવા રવિવારે સવારે તે મુંબઈ આવશે.’

bandra kurla complex diamond market heart attack mumbai news mumbai news