27 May, 2021 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડમાં આવેલા મહાવીર સિમ્ફની બિલ્ડિંગના આઠમા માળે તૃપ્તિ શાહ રહેતાં હતાં.
મુલુંડ (વેસ્ટ)માં ઝવેર રોડ પર આવેલા મહાવીર સિમ્ફની નામના બિલ્ડિંગમાં રહેતાં ૪૮ વર્ષનાં તૃપ્તિ રાજેશ શાહે ડિપ્રેશનથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન તૃપ્તિબહેને અંતિમ પગલું મંગળવારે સાંજે ઘરમાં કોઈ નહોતું ત્યારે ભર્યું હતું. આ કેસમાં પોલીસ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ કરી રહી છે. આ બાબતે આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર પ્રકાશ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે કોઈ દરવાજો ખોલતું ન હોવાથી તેમણે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો તો ઘરના હૉલમાં આવેલા પંખાને સાડી બાંધીને તૃપ્તિ શાહે ગળાફાંસો ખાધો હતો. પરિવારજનો તેમને તરત જ બાજુમાં આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. પરિવારજનો સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું છે કે તેઓ ડિપ્રેશનમાં રહેતાં હતાં અને એના માટે તેમની ત્રીસેક ડૉક્ટરો પાસે સારવાર પણ કરાવવામાં આવી છે. અમને તૃપ્તિ શાહના પરિવારજનોએ તેમની ટ્રીટમેન્ટ રિલેટેડ ડૉક્ટરોના દોઢેક હજાર પેપર્સ પણ બતાવ્યા છે. અત્યારે તો એડીઆર નોંધીને અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’
આ સંદર્ભમાં તૃપ્તિબહેનના દિયર જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાભી ઘણાં વર્ષોથી ડિપ્રેશનમાં હતાં અને કદાચ આ જ કારણસર તેમણે આવું પગલું ભર્યું હોવું જોઈએ. તેમના પરિવારમાં ૨૧ વર્ષની દીકરી અને ૧૮ વર્ષનો દીકરો છે.’