જ્વેલરો પરેશાન

30 August, 2024 09:22 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈમાં એવી એક ગૅન્ગ સક્રિય થઈ છે જે દાગીના ખરીદીને એવા પૈસા ટ્રાન્સફર કરે છે જે એણે સાઇબર ફ્રૉડથી પડાવેલા હોય છે. પાછળથી પોલીસ આ પૈસાનું પગેરું મેળવીને ફ્રીઝ કરી નાખે છે. ગોરેગામ, મીરા રોડ, અંધેરી, મલાડના જ્વેલરો છેતરાયા

પ્રતીકાત્મક તસવીર

જ્વેલર પાસેથી લાખો રૂપિયાના દાગીના ખરીદીને પેમેન્ટ-રૂપે તેના બૅન્ક-ખાતામાં સાઇબર છેતરપિંડીથી પડાવેલા પૈસા ટ્રાન્સફર કરાવીને રફુચક્કર થઈ જતી એક ગૅન્ગ મુંબઈમાં સક્રિય થઈ છે. આ પૈસા જ્વેલરના ખાતામાં આવેલા તો દેખાતા હોય છે, પણ એ પૈસા છેતરપિંડીના હોવાથી પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ ફ્રીઝ કરી દેવામાં આવે છે જેના પરિણામે જ્વેલરને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આવી જ રીતે અંધેરી, ગોરેગામ, મીરા રોડ અને મલાડના જ્વેલર્સ પાસેથી લાખો રૂપિયાના દાગીના લીધા બાદ છેતરપિંડી કરવામાં આવી છે. તાજેતરમાં અંધેરી-ઈસ્ટના મરોલમાં આવેલી ગોપાલ જ્વેલર્સમાંથી આ જ રીતે ૩.૫૫ લાખ રૂપિયાના દાગીના લીધા બાદ ઑનલાઇન પેમેન્ટ આપીને એક યુવાન દાગીના લઈને નીકળી ગયો હતો. એ પૈસા ત્રણ કલાકમાં ફ્રીઝ થઈ ગયા હોવાની ફરિયાદ દુકાનના માલિક લલિત પ્રજાપતિએ સહાર પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાવી હતી.

ગુજરાતમાં કોઈ યુવાન સાથે સાઇબર છેતરપિંડી કરીને એ પૈસા મને મોકલવામાં આવ્યા હતા એમ જણાવતાં લલિત પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે હું દુકાન પર હતો ત્યારે એક યુવાન દાગીના ખરીદવા આવ્યો હતો. તેણે શરૂઆતમાં મારી પાસેથી ગોલ્ડ બારની માગણી કરી હતી. એ મારી પાસે ન હોવાથી મેં નથી એમ કહેતાં યુવાને બ્રેસલેટ અને ચેઇન જોઈતાં હોવાનું કહ્યું હતું. એ પછી તેણે મારી પાસે આશરે પચીસ ગ્રામના દાગીના અલગ કઢાવ્યા હતા. એની સામે તેણે પેમેન્ટ ઑનલાઇન ટ્રાન્સફર કરીશ એમ કહી મારા ગોપાલ જ્વેલર્સના બૅન્ક-ખાતાના ચેકનો ફોટો પાડીને બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ સાંજે તે જ યુવાન પાછો મારી દુકાને આવ્યો હતો અને અલગ મુકાવેલા દાગીના કાઢવાનું કહી કોઈને ફોન પર કહીને મને ઑનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરાવ્યું હતું એટલે મેં તેને દાગીના આપ્યા હતા અને એ લઈને તે નીકળી ગયો હતો. ત્યાર પછી એ જ દિવસે સાંજે મેં બીજા વેપારીને ઑનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની કોશિશ કરી ત્યારે એ પૈસા ટ્રાન્સફર થયા નહોતા. એટલે મેં બીજા દિવસે બૅન્કમાં જઈને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગુજરાતમાં કોઈ યુવાન સાથે સાઇબર છેતરપિંડી કરીને મારા ખાતામાં ૩,૫૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તે યુવાને પોલીસનો સંપર્ક કરતાં કડી મારા ખાતા સુધી પહોંચી હતી અને પોલીસે મારા ખાતાના પૈસા ફ્રીઝ કરી દીધા હતા. એ પછી મેં તાત્કાલિક સહાર પોલીસ-સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’

મારી જેમ મુંબઈના પાંચથી છ જ્વેલર્સ આવી છેતરપિંડીનો શિકાર થયા છે એટલે હું અને બીજા જ્વેલર્સ સોશ્યલ મીડિયા પર આવી ઘટનાથી બચવા અપીલ કરી રહ્યા છીએ એમ જણાવતાં લલિત પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં મને જાણવા મળ્યું હતું કે મારી પાસે જે યુવાન દાગીના લેવા આવ્યો હતો તેણે મીરા રોડ, ગોરેગામ અને મલાડમાં મારા જેવા બીજા જ્વેલર્સને છેતર્યા છે.

સહાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘આરોપીને શોધવા માટે અમે બીજા વિસ્તારના જ્વેલર્સની મદદ લઈ રહ્યા છીએ. આ ઉપરાંત આ ગૅન્ગના બીજા મેમ્બરોની માહિતી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

cyber crime Crime News mumbai crime news goregaon mira road andheri malad mumbai police mumbai mumbai news