12 February, 2024 09:45 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
સાયનમાં રહેતા અને શૅરમાર્કેટમાં ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારીના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી મહિલાએ માલિકનો વિશ્વાસ જીત્યા બાદ ઘરમાં વેપાર માટે રાખેલી આશરે ૧૪ લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ મહિલા એકાએક ઘરમાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ તેની શોધ કરવામાં આવતાં કોઈ ભાળ લાગી નહોતી. અંતે ઘરમાં રાખેલી રોકડની તપાસ કરતાં એ ચોરી થઈ હોવાનું સમજાયું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ સાયન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
સાયનમાં સાયન સર્કલ નજીક એક બિલ્ડિંગમાં રહેતા અને શૅરમાર્કેટમાં ટ્રેડિંગનો વ્યવસાય કરતા ૨૭ વર્ષના પ્રણય કોચરે કરેલી ફરિયાદ અનુસાર તે તેના મિત્ર મોહિત છેડા સાથે અહીં રહે છે. તેના ઘરે મધુ ઠાકુર નામની મહિલા રસોઈ કરવા આવતી હતી. મધુને સ્વામી સમર્થ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા નોકરી પર રાખવામાં આવી હતી. આશરે ચાર-પાંચ દિવસ પહેલાં મોહિતે ફરિયાદીને ૧૦ લાખ રૂપિયા ધંધા માટે આપ્યા હતા. એ સાથે ફરિયાદી પાસે પોતાની ચાર લાખ રૂપિયાની રોકડ રકમ હતી. એમ બન્ને મળીને કુલ ૧૪ લાખ રૂપિયા કબાટમાં રાખવામાં આવ્યા હતા. ૯ ફેબ્રુઆરીએ સાંજે ફરિયાદીએ મધુને ફોન કરી નાસ્તો તૈયાર કરવા કહી અડધા કલાકમાં આવીશ એમ કહ્યું હતું. સાંજે ફરિયાદી ઘરે આવ્યો ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો. રસોડામાં જઈને તપાસ કરતાં મધુ ત્યાં નહોતી. મધુને ફોન કરતાં તેનો ફોન સ્વિચ્ડ-ઑફ હતો અને બેડરૂમના કબાટમાં કાપડની થેલીમાં રાખેલી ૧૪ લાખની રકમ મળી નહોતી. અંતે બિલ્ડિંગના રહેવાસીઓને તેમ જ ગેટ પરના સિક્યૉરિટી ગાર્ડને મધુ વિશે પૂછતાં તેની કોઈ માહિતી મળી નહોતી. તેણે ચોરી કરી હોવાની શંકા સાથે સાયન પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી હતી.
સાયન પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’