કાંદિવલીમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાં ચોરોએ ‘સાફસફાઇ’ કરી

22 November, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોંઘાં જીન્સ અને ટી-શર્ટ ઉપરાંત કૅશ લઈને ફરાર થયેલા આ ચોરો સીસીટીવી કૅમેરામાં થયા કેદ

કાંદિવલીની રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાં ચોરી કરનારા બન્ને ચોર સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગયા હતા

કાંદિવલી-ઈસ્ટના ઠાકુર કૉમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનનાં શટર તોડીને ચોરી કરવામાં આ‍‍‍વી હતી. ચોરીની આ આખી ઘટના દુકાનમાં લગાડેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ચોરોની શોધ શરૂ કરી છે.

સોમવારે દુકાનદાર દુકાન બંધ કરીને ગયો ત્યાર બાદ રાતના સમયે આ બનાવ બન્યો હતો. તે સવારે દસ વાગ્યે આવ્યો ત્યારે દુકાનનું શટર તૂટેલું જોવા મળ્યું હતું. ત્યાર બાદ દુકાનના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસતાં બે ચોર ચોરી કરતા નજરે પડ્યા હતા. સમતાનગર પોલીસ સીસીટીવી ફુટેજના આધારે આરોપીને શોધી રહી છે.

આઠ વર્ષથી ઠાકુર કૉમ્પ્લેક્સમાં મારી દુકાન છે એમ જણાવીને દુકાનદાર અંકુર ચડ્ડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલાં વર્ષોમાં પહેલી વખત મારે ત્યાં ચોરીનો બનાવ બન્યો છે. રાતના શટર તોડીને ચોરી થઈ હોવા છતાં આસપાસના લોકોને કે વૉચમૅનને એની જાણ થઈ નહોતી. મારી રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે. ચોરોએ દુકાનમાંથી ૭૦,૦૦૦ રૂપિયાની આસપાસની રોકડ રકમ સાથે એક લાખ રૂ‌પિયાનાં જીન્સ, ટી-શર્ટ, શર્ટ વગેરે ચોર્યાં છે. દુકાનની અંદર અને બહાર બન્ને જગ્યાએ સીસીટીવી કૅમેરા લગાડેલા છે. એમાં દેખાય છે કે ચોરો પહેલાં દુકાનની બહાર ઊભા રહીને નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યાર બાદ તેમણે મોઢા પર રૂમાલ બાંધી લીધો હતો. તેમણે દુકાનની અંદર ઘૂસીને પહેલાં થેલામાં કપડાં ભર્યાં અને ત્યાર બાદ કાઉન્ટર પર જઈને પૈસા ઉપાડ્યા હતા. ચોરીની આખી ઘટના કૅમેરામાં કેદ થવાની સાથે બન્ને ચોરોના ચહેરા પણ બરાબર દેખાય છે. પોલીસે પણ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.’

kandivli Crime News mumbai crime news mumbai mumbai news mumbai police