23 December, 2024 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ઘટના CCTV કૅમેરામાં ઝડપાઈ હતી
કલ્યાણમાં ઉત્તર પ્રદેશના એક પરિવારે મરાઠી પરિવાર પર હુમલો કરવાની ઘટના હજી તાજી છે ત્યારે કલ્યાણમાં જ આવી વધુ એક ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. માનપાડા પોલીસ-સ્ટેશનની હદમાં આવેલી એક સોસાયટીમાં ઉત્તમ પાંડે અને તેની પત્નીએ નવ વર્ષની એક બાળકી સાથે અશ્લીલ ચાળા કર્યા બાદ તેની મારપીટ કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હોવાનું સ્થાનિક રહેવાસીઓએ પોલીસને ગઈ કાલે કહ્યું હતું. આ ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ હતી. આ ઘટનાનાં ફુટેજ વાઇરલ થયાં છે. પુત્રીની મારપીટ કેમ કરી? એવું પૂછવા ગયેલા બાળકીના પોલીસ-કર્મચારી પિતાની પણ બાદમાં મારપીટ કરવામાં આવી હતી એટલું જ નહીં, આરોપી ઉત્તમ પાંડે અને તેની પત્નીએ બાળકીના ઘરમાં જઈને તેની મમ્મી અને દાદી પર પણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. માનપાડા પોલીસ-સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં કલ્યાણ-વેસ્ટમાં યોગીધામ પરિસરમાં આવેલા અજમેરા હાઇટ્સ નામના બિલ્ડિંગમાં મરાઠી કુટુંબની મારપીટ કરવા બદલ સરકારી અધિકારી અખિલેશ શુક્લા અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ વધુ એક મરાઠી પરિવારની બીજા રાજ્યમાંથી આવેલા લોકોએ મારપીટ કરતાં કલ્યાણ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા મરાઠીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે.