26 September, 2023 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : દેશનાં સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક ગણાતું મુંબઈ યુવતીઓ અને મહિલાઓ માટે અસુરક્ષિત બની રહ્યું છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંની ઘટનાઓ જોયા પછી એ અસુરક્ષિત હોવાનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે મુલુંડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એમાં ૧૫ વર્ષની ટીનેજરને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ મુલુંડમાં ચકચાર મચાવી દીધી છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને વધુ એક આરોપીની શોધ શરૂ કરી છે.
મુલુંડ-વેસ્ટના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી કિશોરી પર તેની બાજુમાં રહેતો એક યુવાન અને તેની સાથે અન્ય એક યુવાન છેલ્લા બેથી ત્રણ મહિનાથી રેપ કરી રહ્યા હતા. આ ઘટનાની તેની માતાને જાણ થઈ ત્યારે તેની માતાને પણ ધમકાવવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે આ કેસમાં ભારતીય દંડસંહિતાની કલમ અને પોક્સો ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને વધુ એક આરોપીની તપાસ શરૂ કરી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથિમ્બિરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ વર્ષની ટીનેજર પર સામૂહિક બળાત્કાર થયો છે. સગીર વયની બાળકી પર માતાને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. એના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં અમે ૨૧ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. બીજા આરોપીની શોધમાં અમારી ટીમ બહાર મોકલવામાં આવી છે. સગીર કિશોરીને આ પહેલાં દવા આપીને તેનું યૌનશોષણ કરવામાં આવ્યું હોવાની માહિતી પણ અમને મળી છે.’