મુંબઈમાં ‘સ્પેશિયલ 26’ જેવો મામલો: નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કરી અસલી ચોરી

16 May, 2024 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તવમાં આ ઘટના મુંબઈ (Mumbai Crime)ના સાયન વિસ્તારમાં બની હતી. પીડિતા મુંબઈના માટુંગા વિસ્તારમાં એક પ્રખ્યાત કૅફે ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai Crime)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મ ‘સ્પેશિયલ 26’ની તર્જ પર ક્રાઈમ બ્રાન્ચના હોવાનો દાવો કરતા છ લોકો કૅફેના માલિકના ઘરમાં ઘૂસી ગયા અને 25 લાખ રૂપિયા લઈ ગયા હતા. આરોપીઓએ કૅફે માલિકને કહ્યું કે, તેઓ ચૂંટણીની ફરજ પર છે અને તેમને માહિતી મળી હતી કે, ઘરમાં પૈસા રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવશે. હવે પોલીસે (Mumbai Crime) આ મામલામાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

કેવી રીતે થઈ લૂંટ?

વાસ્તવમાં આ ઘટના મુંબઈ (Mumbai Crime)ના સાયન વિસ્તારમાં બની હતી. પીડિતા મુંબઈના માટુંગા વિસ્તારમાં એક પ્રખ્યાત કૅફે ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે, મંગળવારે 6 લોકો તેના ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ચૂંટણી ફરજ પર હતા અને તેમને માહિતી મળી હતી કે ઘરમાં પૈસા રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ મતદાન થશે.

ગુનામાં ફસાવવાની ધમકી

પીડિત કૅફે ઑપરેટરે આરોપીને કહ્યું કે તેણે પોતાના બિઝનેસમાંથી 25 લાખ રૂપિયા રળ્યા છે અને આ પૈસાને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. જોકે, તમામ આરોપીઓએ કૅફે સંચાલકને કોઈક ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા લઈને સ્થળ છોડી દીધું હતું. આ પછી જ્યારે કૅફે ઑપરેટરે પોલીસનો સંપર્ક કર્યો તો તેને સત્યની ખબર પડી હતી.

ચાર આરોપીઓની ધરપકડ

લૂંટ બાદ કૅફે માલિકે સાયન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી. ફરિયાદના આધારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને ગુનામાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

વિધાનસભ્ય રવિ રાણાના મુંબઈના ઘરમાં થઈ ચોરી

અમરાવતીનાં સંસદસભ્ય નવનીત રાણાના અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાના ખારમાં આવેલા ઘરમાંથી બે લાખ રૂપિયાની ચોરી થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ ખાર-વેસ્ટમાં ૧૪મા રસ્તા પર આવેલા લા-વી અપાર્ટમેન્ટના આઠમા માળે વિધાનસભ્ય રવિ રાણાની માલિકીનો ફ્લૅટ છે. રવિ રાણાએ તેમના પર્સનલ અસિસ્ટન્ટ (PA) સંદીપ સસેને ફેબ્રુઆરી મહિનામાં બે લાખ રૂપિયા કૅશ આપ્યા હતા, જે તેણે આ ફ્લૅટના બેડરૂમના કબાટમાં મૂક્યા હતા. ૧૦ મહિના પહેલાં મૂળ બિહારના અર્જુન મુખિયાને ઘરનોકર તરીકે રાખવામાં આવ્યો હતો. તેને બેડરૂમમાં રોકડ રકમ હોવાની જાણ હતી. માર્ચ મહિનામાં હોળીમાં ગામમાં ગયા બાદ અર્જુન પાછો ફર્યો નથી એટલે આ ચોરી તેણે જ કરી હોવાની શંકા છે. તેનો ફોન પણ બંધ છે. થોડા સમય પહેલાં વિધાનસભ્યનો PA મુંબઈ આવ્યો ત્યારે ફ્લૅટમાં રાખેલા રૂપિયા ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

mumbai crime branch mumbai crime news Crime News sion mumbai mumbai news