21 November, 2023 07:20 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
વિર્લે પાર્લે રહેતા કપડાંના વેપારી કામકાજ અર્થે વધુ સમય દેશની બહાર રહેતા હોવાથી મુંબઈ ઑફિસની તમામ અકાઉન્ટન્ટ સંબંધી જવાબદારી એક મહિલાને સોંપી હતી અને એની સાથોસાથ પોતાનાં તમામ બૅન્ક-અકાઉન્ટની માહિતી અને પોતાના ઈ-મેઇલ આઇડીનો ઍક્સેસ પણ તેને આપી રાખ્યો હતો. એ મહિલાએ માલિકની જાણ બહાર ૩૧ લાખ રૂપિયા પોતાના અને પોતાની માતાના અકાઉન્ટમાં સેરવી લીધા હતા. એ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે આ તમામ એન્ટ્રી તેણે સસ્પેન્સ એન્ટ્રીમાં નાખી હતી. ઘટનાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વિર્લે પાર્લે-પશ્ચિમની ગોકળીબાઈ સ્કૂલ સામે દાદાભાઈ ક્રૉસ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને સાંતાકુઝમાં મિલન સબવે નજીક રેડીમેડ કપડાંનો વ્યવસાય કરતા બાવન વર્ષના મેહુલ સંઘવીએ કહ્યું કે ‘વ્યવસાયને સુવ્યવસ્થિત ચલાવવા પાંચ કંપનીઓની સ્થાપના કરીને ઑફિસમાં ૨૦થી વધુ માણસ રાખ્યા છે. કંપનીના એચઆર વિભાગમાં રજની જ્ઞાનચંદ શર્મા ૨૦૧૮થી તમામ કામગીરીનું ધ્યાન રાખતી હતી. કોરોનાના સમયગાળા દરમ્યાન કંપનીના અકાઉન્ટ વિભાગની જવાબદારી તેને સોંપવામાં આવી ત્યારથી તે બધી જવાબદારી નિભાવતી હતી. કંપનીનાં ટ્રાન્ઝૅક્શન અને બિઝનેસ સંદર્ભની મહત્તમ સત્તા રજનીને સોંપવામાં આવી હતી. મારે વ્યવસાય માટે વિદેશ કે અન્ય રાજ્યમાં જવું પડતું હોવાથી આવા સમયે વ્યવસાય કરવામાં કોઈ તકલીફ ન પડે એ માટે કંપનીની તમામ ગોપનીય માહિતી, બૅન્ક-અકાઉન્ટની માહિતી રજનીને આપવામાં આવી હતી. દરમ્યાન કંપનીના અકાઉન્ટ્સ વિભાગના ધીરજ સિંહે કંપનીને લગતી આવકવેરાની બાકી ચુકવણીને લીધે કેટલાક વાંધાજનક વ્યવહારના રેકૉર્ડ જોયા હતા. એ રેકૉર્ડ પર ફૉલોઅપ કરવા માટે રજની અને બૅન્કના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પાસેથી કોઈ ઉપયોગી માહિતી મળી શકી નહોતી. જોકે કંપનીના રેકૉર્ડમાં મેહુલ સંઘવી કૅપિટલ રિટર્ન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હોવાથી ધીરજ સિંહે સસ્પેન્સ ખાતામાં આ વ્યવહાર કામચલાઉ સ્વરૂપે નોંધ્યા હતા, પરંતુ તેને સપ્ટેમ્બરથી વ્યવહારના રેકૉર્ડમાં ૩૧ લાખ રૂપિયાના વાંધાજનક વ્યવહાર હોવાનું જણાયું હતું. એવું જાણવા મળ્યું હતું કે વાંધાજનક વ્યવહારની રકમ કંપનીના બૅન્ક-ખાતામાંથી ઍક્સિસ બૅન્ક અને મહારાષ્ટ્ર બૅન્કની નેરુળ શાખાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કંપનીના રેકૉર્ડમાં એ રકમ મેહુલ સંઘવી કૅપિટલ રિટર્ન તરીકે ઉલ્લેખિત હતી. એ પછી વધુ માહિતી કઢાવતાં માલૂમ પડ્યું હતું કે કંપનીની અકાઉન્ટ-હેડ રજની અને તેની માતા વિમલાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અંતે ઘટનાની ફરિયાદ મેં સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
સાંતાક્રુઝના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદી પાસે કામ કરતી એક મહિલાએ કંપનીના ખાતામાં રહેલા પૈસા પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા હતા. જોકે અત્યારે આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’