ફાલ્ગુની પાઠકની નવરાત્રિના નામે ફ્રૉડ કરનાર ગૅન્ગની થઈ ધરપકડ

20 October, 2023 12:05 PM IST  |  Mumbai | Samiullah Khan

પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન અને ઇનોવા કાર કબજે કરી છે

બધા આરોપીઓ સેટલ્ડ્ છે અને સમૃદ્ધ પરિવારમાંથી આવે છે

બોરીવલીની ચીકુવાડીમાં દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠકની ઇવેન્ટમાં ૫.૧૪ લાખ રૂપિયાનો ફ્રૉડ કરનારી ગૅન્ગને એમએચબી પોલીસે પકડી પાડી છે. આરોપીઓએ આ ઇવેન્ટ માટે પાસ શોધતા લોકોનો ઑનલાઇન રેન્ડમ સંપર્ક શરૂ કર્યો હતો એમાં ૨૦ વર્ષના વિ​ક્ટિમ સાથે કનેક્ટ થવામાં તેઓ સફળ થયા. આ યુવકે તેમને કુલ ૧૬૦ પાસ માટે ૫.૧૪ લાખ રૂપિયા આપ્યા, પરંતુ પાસ લેવાની વાત આવી ત્યારે આરોપીનો મોબાઇલ બંધ આવતો હતો. તે યુવકે એમએચબી પોલીસનો સંપર્ક કર્યો અને ઔપચારિક ફરિયાદ નોંધાવી.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અજયકુમાર બંસલ અને સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડૉ. દીપક હિંદે અને પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરીને ચારેય આરોપીઓને પકડી લીધા હતા. તેમની ઓળખ અશ્વિન રમાકાંત સુર્વે (૨૪), શ્રીપાલ મુકેશ બગડિયા (૩૮), સુશીલ રાજારામ તિર્લોટકર (૩૦) અને સંતોષ ભાગવત ગુંબ્રે (૩૫) તરીકે થઈ હતી. મુખ્ય સૂત્રધાર ગણાતા તિર્લોટકરે દોઢ મહિના પહેલાં આ યોજના ઘડી હતી. તેણે પ્રારંભિક સંપર્ક માટે મોબાઇલ સિમ-કાર્ડ ખરીદ્યું અને ખૈલેયાઓને છેતર્યા. છેલ્લે તેણે સિમ-કાર્ડ ડિસ્કનેક્ટ કરી દીધું.

બધા આરોપીઓ સેટલ્ડ્ છે અને સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. સુર્વે હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બગડિયા ઇલેક્ટ્રિક મૅન્યુફૅક્ચરિંગ કંપનીનો માલિક છે. તિર્લોટકર ટૂર્સ અને ટ્રાવેલ્સનો બિઝનેસ ચલાવે છે. ગુંબ્રે બેસ્ટ બસ-ડ્રાઇવર તરીકે કામ કરે છે, પરંતુ હાલ પગમાં ફ્રૅક્ચર થવાને કારણે તે બીમારીની રજા પર છે.

પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન અને ઇનોવા કાર કબજે કરી છે. એમએચબી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ-કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા છે.

navratri navratri 2023 falguni pathak borivali Crime News mumbai crime news samiullah khan