04 June, 2024 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં એક પતિએ તેની પત્ની અને દીકરા (Mumbai Crime News) પર ધારદાર હથિયાર વડે હુમલો કરવાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિડ-ડેના અહેવાલ મુજબ પત્નીએ બર્થ-ડે કેક મોડો લાવતા ગુસ્સે ભરાયેલા પતિએ ધારદાર હથિયાર વડે પત્ની પર હુમલો કરીને તેને ઘાયલ કરી દીધી હતી. આ દરમિયાન મમ્મીનો બચાવ કરવા આવેલા દીકરા પર પણ આરોપી પતિએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં માતા અને દીકરો બંને ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી પુત્રની હાલત ગંભીર હોવાથી તેને ઘાટકોપરના રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલો કર્યા બાદ પતિ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો અને હવે સાકિનાકા પોલીસે તેની શોધ શરૂ કરી છે.
સાકિનાકાના અશોક નગર પાઈપલાઈન વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પતિ રજેન્દ્ર શિંદેના બર્થ-ડેના દિવસે તેની પત્ની રંજના ઘર કામ કરીને મોડી રાતે કેક લઈને ઘરે આવી. આ દરમિયાન ફેબ્રિકેશનમાં કામ કરતા શિંદેએ (Mumbai Crime News) પત્ની મોડી આવતા તેના પર ગુસ્સે ભરાયો હતો અને તે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. એવામાં પતિ રજેન્દ્ર શિંદેએ રસોડામાંથી છરી લઈને આવીને તેની પત્ની રંજના પર હુમલો કર્યો હતો. આ હુમલાનો ઘા રંજનાના હાથ અને ગળા વાગ્યો હતો. આ દરમિયાન તેમનો 22 વર્ષનો પુત્ર સુનિલ વચ્ચે આવતા આરોપીએ તેના પર પણ હુમલો કર્યો કરી તેને ઘાયલ કર્યો હતો. આરોપીએ દીકરાના પેટ પર ઘા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પાડોશીએ પોલીસને બોલાવીને રંજના અને સુનિલને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. રંજનાને વધારે નહોતું લાગ્યું પણ તેના દીકરા સુનિલની હાલત ગંભીર છે જેથી તેની સર્જરી કરવામાં આવી છે, તેમ છતાં તેની હાલત હજી નાજુક છે.
આ ઘટના મામલે મુંબઈ પોલીસના ડીસીપી મંગેશ શિંદે અને સિનિયર ઇન્સ્પેક્ટર ચિમટેના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં પીએસઆઈ સાગર જાધવ આગેવાની કરી રહ્યા છે. આ મામલે એક પોલીસ અધિકારીએ (Mumbai Crime News) જણાવ્યું હતું કે “ ઘટનાની તપાસ કરી અને અને ઘાયલોના નિવેદન રેકોર્ડ કર્યા બાદ, શિંદે વારંવાર નાનકડી બાબતો પર રંજનાના સાથે ઝઘડો કરતો હોવાનું સામે આવ્યું હતું. પત્ની અને દીકરા પર હુમલો કરી તેમણે ઘાયલ કરવાના આરોપસર રજેન્દ્ર શિંદે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાકિનાકા પોલીસ દ્વારા તેની શોધ કરવામાં આવી રહી છે, એવું એક અધિકારીએ કહ્યું હતું. આ ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા પાડોશીના પણ નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.