20 March, 2023 08:43 AM IST | Mumbai | Prakash Bambhroliya
બાગેશ્વરધામ દરબાર બાદ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં દાગીના આંચકવાની ફરિયાદ કરવા પહોંચેલી મહિલાઓ
બાગેશ્વરધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વરબાબાના મીરા રોડમાં આયોજિત દરબારમાં શનિવારે ખૂબ ભીડ થઈ હતી જેનો ફાયદો લઈને કેટલાક લોકોએ પચાસથી વધુ મહિલાઓનાં ચેઇન અને મંગળસૂત્ર આંચક્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આમાંથી ૩૬ મહિલાઓએ તો શનિવારે આખી રાત મીરા રોડ પોલીસ સ્ટેશનમાં બેસીને એફઆઇઆર નોંધાવ્યો હતો. આ મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈ આ કાર્યક્રમના આયોજકો સામે સૂત્રોચ્ચાર કરીને આટલા મોટા કાર્યક્રમમાં સીસીટીવી કૅમેરા મૂક્યા હોત તો આરોપીઓ તાત્કાલિક પકડાઈ જાત એમ કહ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે પોલીસે ૩૬ મહિલાની નોંધેલી ફરિયાદમાં એક ગ્રામ સોનાદીઠ એક હજાર રૂપિયાનું વૅલ્યુએશન કર્યું છે. આથી પણ મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ મનમાની કરતી હોવાનો આરોપ મૂક્યો હતો.
મીરા રોડમાં એસ. કે. સ્ટોન ચોકી નજીક આવેલા સેન્ટ્રલ પાર્ક ગ્રાઉન્ડમાં સ્થાનિક અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈનના પરિવાર તરફથી બાગેશ્વરધામ સરકારના બે દિવસના દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ આ દરબારમાં હાજરી લગાવી હતી. જોકે અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પહોંચતાં થયેલી ગિરદીનો લાભ લઈને કેટલાક ચોરોએ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર આંચક્યાં હતાં. પચાસથી વધુ મહિલાઓએ તેમના દાગીના ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમાંથી ૩૬ મહિલાની ફરિયાદ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી નોંધવામાં આવી છે.
૧.૩૦ લાખના દાગીના, વૅલ્યુએશન ૧૭ હજારનું
બોરીવલીના સાંઈબાબાનગર નજીકના દેવીપાડા વિસ્તારમાં રહેતી ગૃહિણી સુનીતા ગવળીનું ૧.૩૦ લાખ રૂપિયાનું ૧૭ ગ્રામ સોનાનું મંગળસૂત્ર બાબાના દરબારમાં પ્રવેશ કરતી વખતે થયેલી ગિરદીમાં કોઈએ તફડાવ્યું હતું. આ વિશે સુનીતા ગવળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં ૧.૧૦ લાખ રૂપિયામાં મેં ૧૭ ગ્રામનું મંગળસૂત્ર બનાવ્યું હતું. આજે સોનાની કિંમતમાં વધારો થયો છે એટલે આ મંગળસૂત્ર ૧.૩૦ લાખ રૂપિયાનું ગણાય. જોકે મીરા રોડ પોલીસે ૧૭ ગ્રામના મંગળસૂત્રનું વૅલ્યુએશન માત્ર ૧૭,૦૦૦ રૂપિયા કર્યું છે. આ વિશે સવાલ કરતાં પોલીસે ઉડાઉ જવાબ આપતાં કહ્યું હતું કે ચોરીના મામલામાં અમે આવી જ રીતે વૅલ્યુએશન કરીએ છીએ. મેં પોલીસને દાગીનાનું બિલ આપ્યું હતું એ પણ તેઓ માનવા તૈયાર નથી. પોલીસનો આ વહેવાર સમજાયો નહીં.’
તમામ ફરિયાદમાં ગ્રામદીઠ ૧૦૦૦
બાગેશ્વરધામ બાબાનો દરબાર શનિવારે પૂરો થયા બાદ પચાસ જેટલી મહિલાઓ તેમના દાગીના આંચકી લેવાયા હોવાની ફરિયાદ નોંધાવવા મીરા રોડ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. વહેલી સવાર સુધી પોલીસે એફઆઇઆર નોંધ્યો હતો. જોકે પોલીસે ૩૬ મહિલાની નોંધેલી ફરિયાદમાં એક ચોંકાવનારી વાત જાણવા મળી હતી. આજે એક તોલા સોનું ૬૦,૦૦૦ રૂપિયામાં મળે છે એની સામે પોલીસે દરેક ફરિયાદમાં ૧૦,૦૦૦ રૂપિયા તોલાનું જ વૅલ્યુએશન કર્યું હતું. પોલીસે ગ્રામદીઠ ૬,૦૦૦ રૂપિયાને બદલે ૧,૦૦૦ રૂપિયાની જ ફરિયાદ લીધી છે.
બાબા આરોપીને પકડે
બાગેશ્વરધામના બાબાનાં દર્શન કરવા માટે મીરા રોડ અને ભાઈંદર ઉપરાંત મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો શનિવારે ગયા હતા. દર્શનના ચક્કરમાં અઢી તોલાની સોનાની ચેન ગુમાવનાર પૂનમ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા હનુમાનજીના ભક્ત છે અને તેમના થકી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કરે છે. તેમણે અમારા દાગીના ચોરી કરનારાઓને પકડીને તેમની પાસેથી અમારા દાગીના પાછા અપાવવા જોઈએ. આયોજકોએ સીસીટીવી કૅમેરા લગાવવાની જરૂર હતી. કૅમેરા હોત તો દાગીના આંચકનારાઓનાં ફુટેજ જોઈને તેમને ઓળખી શકાયા હોત. બીજું, ક્ષમતા કરતાં વધુ લોકો બાબાનાં દર્શન માટે આવવાની શક્યતા હોવા છતાં ગિરદીને નિયંત્રણમાં રાખવાની કોઈ વ્યવસ્થા નહોતી એનો ફાયદો તસ્કરોએ લીધો છે. આયોજકોની પણ જવાબદારી છે, તેમણે પણ દાગીના ગયા છે તે પાછા આપવા જોઈએ.’
પોલીસનો કાફલો નકામો ઠર્યો
બાગેશ્વરધામ સરકારની સિક્યૉરિટી માટે આયોજન-સ્થળે ૮૦થી ૧૦૦ જેટલા પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો હોવા છતાં કાર્યક્રમ-સ્થળના ગેટ પાસેથી એક-બે નહીં, ૩૬થી વધુ મહિલાઓનાં ચેઇન અને મંગળસૂત્ર આંચકવામાં આવ્યાં હતાં. આથી સવાલ થાય છે કે પોલીસનો કાફલો એ સમયે શું કરતો હતો?
ગોલ્ડના જૂના રેટ પ્રમાણે વૅલ્યુએશન કરાયું
મીરા રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયસિંહ બાગુલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ૩૬ મહિલાઓએ સોનાના દાગીના આંચકવાની ફરિયાદ નોંધાવી છે એ જૂનું ગોલ્ડ છે એટલે અમે ઓછું વૅલ્યુએશન કર્યું છે. આ મામલામાં અત્યાર સુધી ૬ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ મહિલા મૂળ રાજસ્થાનની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આરોપીઓ પાસેથી કેટલાક દાગીના હાથ લાગ્યા છે. બાકીની તપાસ અમે કરી રહ્યા છીએ.’
આ બાબતે આયોજક વિધાનસભ્ય ગીતા જૈનનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરવા છતાં તેઓ નહોતાં મળી શક્યાં.