મુંબઈ પોલીસની મદદથી ડ્રગ્સ રૅકેટનું માસ્ટરમાઇન્ડ મહેતા કપલ ભાગી ગયું

23 June, 2023 08:22 AM IST  |  Mumbai | Samiullah Khan

આવો આક્ષેપ કરતાં મધ્ય પ્રદેશની પોલીસ કહે છે કે અમે તમામ તથ્યો કોર્ટની સામે રજૂ કર્યાં છે

આશિષ અને શિવાંગી મહેતા

મધ્ય પ્રદેશ પોલીસે આક્ષેપ કર્યો છે કે મુંબઈ પોલીસે મહેતા દંપતીને મદદ કરી હતી, જે મોટા પાયે હોમબેઝ્ડ ડ્રગ ડિસ્ટ્રિબ્યુશન રૅકેટનું કથિત માસ્ટરમાઇન્ડ હતું. મુંબઈસ્થિત આશિષ અને શિવાંગી મહેતા એમપી પોલીસના સ્કૅનર હેઠળ છે, જ્યારે તેમના એક કર્મચારીની ૬ જૂને એમપીના શિવપુરી જિલ્લાની ખાનિયાધાના પોલીસ દ્વારા ૧૭ લાખ રૂપિયાના ૧૪૨ ગ્રામ મેફેડ્રોન (એમડી) સાથે ધરપકડ કરવામાં આવી હતી. આશિષ અને શિવાંગી મહેતાએ ૨૦ જૂને જિલ્લા અને સેશન્સ કોર્ટ શિવપુરીમાં આગોતરી જામીનઅરજી દાખલ કરી હતી. ગુરુવારે તેમની જામીનઅરજી ફગાવી દેવામાં આવી હતી.

તપાસ અધિકારી અને ખાનિયાધાના પોલીસ સ્ટેશન, એમપીના ઇન્ચાર્જ ધનેન્દ્રસિંહ ભદોરિયાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં તમામ વિગતો સાથે રાખીને કોર્ટને કહ્યું હતું કે મુંબઈ પોલીસે અમને બિલકુલ સહકાર આપ્યો નથી. મહિલા આરોપીને પકડવા માટે અમારી પાસે મહિલા પોલીસ નહોતું. મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેઓ સહકાર આપશે અને આરોપીને અમારી પાસે લાવશે. અમે ફરાર આરોપીઓને ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશનમાં લાવવા માટેનો નિર્દેશ કર્યો હતો, પરંતુ મુંબઈ પોલીસે તેમને ભાગવામાં મદદ કરી.’

ધનેન્દ્રસિંહ ભદોરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે ‘અમે કોર્ટ સમક્ષ નક્કર તથ્યો મૂક્યાં હતાં. પહેલું તથ્ય એ હતું કે ધરપકડ કરાયેલા આરોપી ૩૯ વર્ષના નિસાર ખાને મુંબઈ પોલીસની હાજરીમાં મહેતા દંપતીની ઓળખ કરી હતી. બીજો મુદ્દો મોબાઇલ લોકેશનનો હતો. નિસાર ખાન અને મહેતા દંપતી મુંબઈમાંથી ફરાર થયું ત્યારનું મોબાઇલ લોકેશન સેમ હતું.’

એમપી પોલીસના જણાવ્યા મુજબ નિસાર ખાન એક રીઢો ગુનેગાર અને ડ્રગ સપ્લાયર છે. મુંબઈ પોલીસે તેને ત્રણ વખત પકડ્યો હતો. તે હજી પણ મુંબઈ અને થાણે જિલ્લા સહિત બે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા એનડીપીએસ કેસમાં વૉન્ટેડ છે.

ઝોન ૧૨ના ડીસીપી  સ્મિતા પાટીલે જણાવ્યું હતું કે ‘આ આરોપ ખોટા અને પાયાવિહોણા છે. અધિકારી જૂઠું બોલી રહ્યા છે. આરોપીની શોધમાં અહીં આવેલી તપાસ એજન્સીનો નિર્ણય છે કે જો તેઓ ઇચ્છે તો તેની ધરપકડ કરી શકે છે. અમે માત્ર એક સહાયક એજન્સી તરીકે હતા. તેમણે મદદ માગી અને અમે એ આપી. સ્ટેશન ડાયરીમાં આખી પ્રોસેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.’ 
મહેતા દંપતીના ઍડ્વોકેટ શૈલેન્દ્ર સમઢિયાએ જણાવ્યું હતું કે ‘પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કમર્શિયલ ક્વૉન્ટિટીમાં ડ્રગ્સ મેળવ્યું હોવાથી સેશન્સ કોર્ટે તેમની જામીનઅરજી ફગાવી દીધી હતી. આવતી કાલે અમે જામીન માટે હાઈ કોર્ટમાં જઈશું. મેં આશિષ મહેતા સાથે ત્રણ વખત ફોન પર વાત કરી હતી. દરેક વખતે તેણે રોકાણકારોને સંદેશો મોકલ્યો હતો કે તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેને એક ષડયંત્ર હેઠળ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. તે ભાગી ગયો નથી. તે અહીં ભારતમાં છે અને તે એક પણ રોકાણકારના પૈસા ડૂબવા નહીં દે.’

goregaon mumbai police madhya pradesh Crime News mumbai crime news mumbai mumbai news samiullah khan