11 January, 2025 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડના શાંતિ શૉપિંગ સેન્ટરમાં ૩ જાન્યુઆરીએ શમ્સ તબરેઝ નામના યુવકની હત્યા થયા બાદ આ વિસ્તારમાંથી ફેરિયાઓ ગાયબ થઈ ગયા છે. (તસવીરો : પ્રકાશ બાંભરોલિયા)
મીરા રોડ રેલવે-સ્ટેશનને અડીને આવેલા શાંતિ શૉપિંગ સેન્ટરમાં ૩ જાન્યુઆરીએ શમ્સ તબરેઝ અન્સારી નામના યુવાનની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા સ્ટેશન-પરિસરમાં રસ્તામાં ગેરકાયદે ધંધો કરવા બાબતે કરવામાં આવી હોવાનું જણાતાં પોલીસે બે ભાઈઓની ધરપકડ કરી છે. હત્યાની આ ઘટના પહેલાં મીરા રોડ રેલવે-સ્ટેશન પરિસરમાં અસંખ્ય ગેરકાયદે ફેરિયાઓ બેસતા હતા જેને લીધે લોકોને રેલવે-સ્ટેશન પહોંચવામાં અને બહાર નીકળવામાં મુશ્કેલી હતી. હત્યાની ઘટના બાદ રેલવે-સ્ટેશન પરિસર અને શાંતિ શૉપિંગ સેન્ટરની આસપાસ બેસતા ગેરકાયદે ફેરિયાઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આને લીધે આ વિસ્તાર ફેરિયામુક્ત થઈ ગયો છે.
મીરા રોડના સ્કાયવૉક પર વર્ષોથી અસંખ્ય ગેરકાયદે ફેરિયાઓએ અડ્ડો જમાવ્યો હતો.
નયાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અમર જગદાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાંતિ શૉપિંગ સેન્ટરમાં રસ્તામાં ગેરકાયદે ધંધો કરવા માટેના ઝઘડામાં શમ્સ તબરેઝ નામના યુવકની હત્યા કરવામાં આવ્યા બાદ અહીં બેસતા ગેરકાયદે ફેરિયાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પહેલાં શાંતિ શૉપિંગ સેન્ટરને અડીને આવેલા રસ્તામાં સેંકડો ફેરિયાઓ બેસતા હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે એટલે આ રસ્તો અવરજવર માટે ખુલ્લો થઈ ગયો છે.
મારા મતે ગેરકાયદે ફેરિયાની સમસ્યા ફેરિયાઓ નહીં પણ રસ્તામાં બેસીને ધંધો કરતા આવા લોકો પાસેથી સામાન ખરીદનારા લોકોને લીધે છે. રેલવે-સ્ટેશનને અડીને આવેલા શાંતિ શૉપિંગ સેન્ટરમાં તમામ પ્રકારની દુકાનો આવેલી છે ત્યાં ખરીદી કરવાને બદલે મોટા ભાગના લોકો ફેરિયાઓ પાસેથી સામાન ખરીદે છે. લોકો રસ્તામાંથી સામાન ખરીદવાનું બંધ કરશે તો જ ફેરિયાઓની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકશે.’