08 November, 2023 10:15 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનાં વેસ્ટર્ન સબર્બ્સમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના યુનિટ આઠને મળતાં આશરે ૧૫થી ૨૦ લોકો પર વૉચ રાખીને પાંચ લોકોની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. આરોપીઓ મોટા પ્રમાણમાં દૂધમાં ભેળસેળ કરવાનું રૅકેટ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચલાવતા હતા. આરોપીઓ દૂધની થેલીમાં ઇન્જેક્શન મારીને ઓરિજિનલ દૂધ કાઢતા હતા અને એની જગ્યાએ કેમિકલયુક્ત પાણી દૂધમાં ઇન્જેક્શનની મદદથી નાખતા હતા. ત્યાર બાદ થેલી પહેલાં જેવી બંધ કરી દેતા હતા.
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે વેસ્ટર્ન સબર્બ્સના કેટલાક વિસ્તારોમાં ભેળસેળવાળું દૂધ નાની દુકાનોમાં સપ્લાય કરવામાં આવતું હતું, જે દુકાનદારો ગ્રાહકોને વેચતા હોય છે. અંતે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે પોલીસે આશરે ૧૫થી ૨૦ દિવસ આરોપીઓ પર ખબરીઓની મદદથી નજર રાખી હતી. ગઈ કાલે વહેલી સવારે પોલીસે સહાર પી ઍન્ડ ટી કૉલોનીમાં ફૂડ-અધિકારી સાથે છાપો માર્યો હતો. ત્યાંથી સૈયદુલ ગોલીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી વધુ માહિતી લીધા બાદ યાદ ગિરિ, મહેન્દ્ર ઝાલા, સ્વામી નાથી, વ્યકના ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ અમૂલ દૂધની થેલીમાંથી દૂધ કાઢી એમાં માનવ-વપરાશ માટે હાનિકારક કેમિકલવાળું ગંદું પાણી ભરી એને ફરી સીલ કરીને વેચતા હતા. અંતે તમામ લોકો સામે વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ આઠના સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ પર વૉચ રાખીને પકડવામાં આવ્યા હતા. તેઓ મુંબઈના વેસ્ટર્ન સબર્બ વિસ્તારોમાં દૂધ નાના દુકાનદારોને વેચતા હોવાની માહિતી અમને મળી છે.’