છેક ૨૮ વર્ષે થઈ મશીનની ધરપકડ

27 June, 2024 09:24 AM IST  |  Mumbai | Mehul Jethva

પોલીસના રેકૉર્ડમાં જેની ચોર પેદા કરવાના મશીન તરીકે નોંધ થયેલી છે એ ૫૧ વર્ષનો રમેશ સોલંકી ઑલમોસ્ટ ત્રણ દાયકા પછી પકડાયો : નશાખોર જુવાનિયાઓને ચોરીની ટ્રેઇનિંગ આપીને બસ અને ટ્રેનમાં પિક-પૉકેટિંગ કરાવતો હતો આ માસ્ટરમાઇન્ડ

ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે પકડાયેલો રમેશ સોલંકી

મુંબઈ અને ગુજરાતનાં રેલવે અને બસ-સ્ટેશનો પર ભીડનો ફાયદો ઉઠાવીને ચોરીને અંજામ આપતા મુખ્ય સૂત્રધાર ૫૧ વર્ષના રમેશ સોલંકીની સોમવારે વસઈ-વિરાર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. રમેશ નવા-નવા જુવા​નિયાઓને ચોરીની તાલીમ આપીને તેમની પાસે ચોરીને અંજામ અપાવતો એટલે પોલીસ ઘટનાસ્થળની તપાસ કરવા આવે ત્યારે રમેશ તેમના હાથમાં આવતો નહીં. અંતે બાતમીદારો પાસેથી માહિતી મળ્યા બાદ આશરે ૨૮ વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચે મલાડમાંથી રમેશની ધરપકડ કરી હતી.

મીરા રોડમાં અમર પૅલેસ બસ-સ્ટૉપ નજીક ભીડનો લાભ લઈને ત્રણ મુસાફરોનાં શર્ટ અને પૅન્ટનાં ખિસ્સાંમાંથી આશરે ૩૦,૦૦૦ રૂપિયાની માલમતાની ચોરી કરનાર આરોપી વિરુદ્ધ કાશીમીરા પોલીસે ૧૯૯૬માં ફરિયાદ નોંધી હતી એમ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલ રખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને એ સમયે તપાસ કરીને મોહમ્મદ શેખ અને ઇજાઝ ગુલામની ધરપકડ કરી હતી. જોકે તપાસ દરમ્યાન તેમનો મુખ્ય સાથી રમેશ સોલંકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ તેણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો હતો. સોમવારે અમને માહિતી મળી હતી કે રમેશ મલાડમાં માલવણીમાં આવવાનો છે. ત્યાર બાદ અમે ટેક્નિકલ ટીમની મદદ લીધી હતી અને ચારથી પાંચ કલાક ફી​લ્ડિંગ ભર્યા પછી તેની ધરપકડ કરી હતી.’

આરોપી રમેશ સોલંકી સામે મુંબઈનાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં ૬ ફરિયાદ નોંધાઈ છે એટલું જ નહીં; સુરત અને વલસાડમાં તેના પર ત્રણ કરતાં વધુ ફરિયાદો નોંધાઈ છે એમ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) મદન બલ્લાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૮ વર્ષથી મુંબઈ સહિત ગુજરાતની પોલીસ રમેશની શોધ કરી રહી હતી. જોકે તે હાથ લાગતો નહોતો. આરોપી નશાખોર કે પછી પૈસાની જરૂર હોય એવા જુવાનિયાઓને ચોરીની તાલીમ આપતો. જ્યારે-જ્યારે ચોરીની ફરિયાદ નોંધાય ત્યારે અમારી કે પછી બીજી પોલીસ તપાસ માટે જાય ત્યારે ઘટનાસ્થળના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતી એમાં રમેશ નહોતો દેખાતો. જોકે ચોરીના આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે તેણે રમેશના કહેવા પર ચોરીને અંજામ દીધો હોવાની માહિતી અમને મળતી હતી. આવા ચોરને અમે ટેક્નિકલ ભાષામાં મશીન કહીએ છીએ. મશીન એટલે ચોરો પેદા કરવા માટેનું મશીન.’

Crime News mumbai crime news crime branch mumbai crime branch mumbai police mumbai mumbai news indian railways mira road mehul jethva