midday

કાલબાદેવીના વેપારીએ દીકરીનાં લગ્ન માટે રાખેલા સાડાપાંચ લાખ રૂપિયા દુકાનમાંથી ચોરાયા

15 January, 2025 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોરી પાછળ જાણભેદુ હોવાની પોલીસને શંકા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કાલબાદેવીની અગિયારી લેનના પદ‌્માવતી બિલ્ડિંગમાં કપડાંનો વ્યવસાય કરતા ૬૧ વર્ષના હસમુખ જૈનની દુકાનમાંથી શનિવારે સાડાપાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. હસમુખભાઈની દીકરીનાં લગ્ન આવતી કાલે હોવાથી પૈસા ભેગા કરીને તેમણે દુકાનમાં રાખ્યા હતા. દરમ્યાન શનિવારે સાંજે પાંચથી રાતે દસ વાગ્યા દરમ્યાન અંગત કામથી તેઓ દુકાન બંધ કરીને બહાર ગયા હતા ત્યારે પૈસા ચોરાયા હતા. પ્રાથમિક માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોય એવી શક્યતા સામે આવી છે.

ચોરી સાંજે પાંચથી રાતે દસ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ સમયે સામાન્ય રીતે બહારના ચોર ચોરી કરવાની હિંમત ન કરે એટલે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોય એવી અમને શંકા લાગી રહી છે એમ જણાવતાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હસમુખભાઈની દીકરીનાં લગ્ન ગુરુવારે હોવાથી તેમણે રોકડા પૈસા ભેગા કરીને પોતાની કપડાની દુકાનના ડ્રૉઅરમાં રાખ્યા હતા. એ દરમ્યાન શનિવારે સાંજે તેઓ અંગતકામ માટે સાંજે પાંચ વાગ્યે દુકાન બંધ કરીને બહાર ગયા હતા અને રાતે સાડાદસ વાગ્યાની આસપાસ દુકાને પાછા ફર્યા હતા ત્યારે તેમણે દુકાનનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું. અંદર જઈને તપાસ કરતાં ડ્રૉઅરમાં રાખેલા સાડાપાંચ લાખ રૂપિયા ચોરાયા હોવાની તેમને જાણ થઈ હતી. અંતે આ મામલે પહેલાં તેમણે આંતરિક તપાસ કરી હતી, જેમાં ચોરી વિશે કોઈ જાણકારી ન મળતાં તેમણે અમારી પાસે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ચોરી વિશે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai crime news kalbadevi mumbai crime news mumbai police mumbai news news