પરેલમાં રહેતા ગુજરાતી પરિવારના ઘરમાંથી ૪.૮૦ લાખ રૂપિયાની ચોરી થઈ, હાઉસહેલ્પની ધરપકડ

12 January, 2025 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઉસહેલ્પે કરેલી ચોરીની ખાતરી થતાં માલિકે તેની ઝીણવટભરી માહિતી ભેગી કરીને પકડાવી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પરેલમાં ડૉક્ટર અર્નેસ્ટ બોર્જેસ રોડ પરની લોઢા પ્રીમો સોસાયટીમાં રહેતા સોલંકી પરિવારના ઘરની હાઉસહેલ્પ ૩૮ વર્ષની શ્રદ્ધા ઘડવલેની ભોઈવાડા પોલીસે ૪.૮૦ લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી કરવા બદલ શુક્રવારે સાંજે ધરપકડ કરી હતી. હાઉસહેલ્પ શ્રદ્ધાએ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કબાટમાં રાખેલા ૪.૮૦ લાખ રૂપિયા તફડાવી લીધા હતા, પણ જ્યારે તેની ચોરી સામે આવી ત્યારે તેણે ચોરી ન કરી હોવાની માહિતી આપી હતી. જોકે ઘરમાલિક દ્વારા શ્રદ્ધા એ પહેલાં જ્યાં-જ્યાં કામ કરતી હતી ત્યાંથી વિગતવાર માહિતી ભેગી કરવામાં આવી હતી જેમાં તેણે પહેલાં પણ ચોરી કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યા બાદ ઘટનાની જાણ ભોઈવાડા પોલીસ-સ્ટેશનને કરવામાં આવી હતી.

મહિલાની ધરપકડ કરી અમે તેની પાસેથી ૬૦,૦૦૦ રૂપિયાની રિકવરી કરી છે એમ જણાવતાં ભોઈવાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોલંકી પરિવારે આશરે ૯ મહિના પહેલાં હાઉસહેલ્પ શ્રદ્ધાને ઘરકામ માટે રાખી હતી. પહેલીથી ચોથી જાન્યુઆરી દરમ્યાન સોલંકી પરિવાર બહારગામ ફરવા ગયો હતો ત્યારે તેણે કબાટના લૉકરમાં રાખેલી ૪.૮૦ લાખ રૂપિયાની રોકડ રકમ તફડાવી લીધી હતી. પાંચમી જાન્યુઆરીએ સોલંકી પરિવારને ચોરીની જાણ થતાં તેમણે હાઉસહેલ્પને આ વિશે પૂછપરછ કરી હતી. એ સમયે તેણે પૈસા વિશે કોઈ જાણકારી ન હોવાની માહિતી આપી હતી. આથી સોલંકી પરિવારની એક મહિલાએ શ્રદ્ધા આ પહેલાં કોની પાસે નોકરી કરતી હતી એની માહિતી અને જાણકારી મેળવી હતી. બાંદરામાં જે વિસ્તારમાં તે કામ કરતી હતી ત્યાં પણ તેણે ચોરી કરી હોવાનું સામે આવતાં સોલંકી પરિવારને ખાતરી થઈ હતી કે ચોરી હાઉસહેલ્પ શ્રદ્ધાએ જ કરી છે. અંતે ઘટનાની જાણકારી અમને આપતાં અમે શ્રદ્ધાની ધરપકડ કરી તેની પાસેથી ચોરી થયેલી માલમતામાંથી ૬૦,૦૦૦ રૂપિયા કબજે કર્યા છે.’

parel Crime News mumbai crime news mumbai police news mumbai mumbai news