03 November, 2023 11:19 AM IST | Mumbai | Rohit Parikh
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
માટુંગા (સેન્ટ્રલ)માં નાની છોકરીઓ સાથેની એક મહિલા-ગૅન્ગ ખાવાનું અને પીવાનું પાણી માગવાને બહાને ઘરમાં અને ઑફિસમાં ઘૂસીને ચોરીઓ કરતી અને ઘર કે ઑફિસમાં એકલદોકલ સિનિયર સિટિઝનને છેલ્લા ત્રણ દિવસથી હંફાવી રહેલી સૂરતની ત્રણ મહિલાઓ અને ત્રણ છોકરીઓની ગૅન્ગને ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે માટુંગા (સેન્ટ્રલ)ના ભાલચંદ્ર રોડ પરથી પકડી પાડી હતી. આ ચોરટી ગૅન્ગ એ સમયે દેવધર રોડ અને ભાલચંદ્ર રોડ પર સિનિયર સિટિઝન અને એકલદોકલને શિકાર બનાવવાની તૈયારીમાં જ હતી. માટુંગા પોલીસે આ ગૅન્ગની છ મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે ફરીથી માટુંગાની જનતાને અપીલ કરી હતી કે આ ગૅન્ગના જે લોકો શિકાર બન્યા હોય તે પોલીસ-સ્ટેશનમાં આવીને તેમની ફરિયાદ નોંધાવી જાય.
આ મહિલા ગૅન્ગને પકડાવવામાં સોશ્યલ મીડિયાએ મહત્ત્વનો રોલ ભજવ્યો છે, એમ જણાવતાં માટુંગામાં રહેતાં ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ દિવસથી આ મહિલાઓની ગૅન્ગ આઠથી દસ ઘરોમાં ખાવા અને પીવાનું પાણી માગવાને બહાને ઘર/ઑફિસમાં ઘૂસીને એકલદોકલ સિનિયર સિટિઝન કે વ્યક્તિઓના ઘર/ઑફિસમાંથી મોબાઇલ અને બીજી નાની-મોટી વસ્તુઓની ચોરી કરતી હતી. આ બધા બનાવો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ બધાં જ સીસીટીવી ફુટેજોને અમે માટુંગાના હજારો રહેવાસીઓ સુધી સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલી રહ્યાં હતાં. ગઈ કાલે સવારે દેવધર રોડના એક મકાનમાં આ મહિલાઓ તેમનો હાથ અજમાવવા ગઈ હતી ત્યારે આ મહિલા રહેવાસીને સોશ્યલ મીડિયામાંથી આ ગૅન્ગનાં કરતૂતોની જાણકારી હોવાથી આ રહેવાસીએ મહિલા ગૅન્ગને બૂમાબૂમ કરીને તેના મકાનમાંથી ભગાવી હતી અને તરત જ મને આખા મામલાની જાણકારી આપી હતી.’
જેવી દેવધર રોડની મહિલા રહેવાસીએ મને જાણકારી આપી કે તરત જ મેં માટુંગાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરને આ માહિતી આપી હતી. આ સંદર્ભમાં નેહલ શાહે કહ્યું હતું કે ‘મેં પોલીસ અધિકારીને માહિતી આપતાં માટુંગા પોલીસ અને મારા કાર્યકરો દેવધર રોડ અને ભાલચંદ્ર રોડ પર આ ગૅન્ગની મહિલાઓને શોધવા કામે લાગી ગયા હતા અને ભાલચંદ્ર રોડ પર આ મહિલા-ગૅન્ગ કોઈને શિકાર બનાવે એ પહેલાં જ તેમને પકડીને પોલીસ-સ્ટેશનમાં લઈ ગયા હતા.’
ત્રણ મહિલાઓ અને ત્રણ છોકરીઓની મહિલા-ગૅન્ગ પાસેથી અમને છ મોબાઇલ મળ્યા હતા. આ માહિતી આપતાં માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક ચવાણે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બે દિવસથી આ મહિલા-ગૅન્ગને પકડવા માટે પૅટ્રોલિંગ શરૂ કર્યું હતું. ગઈ કાલે સવારે અમને નેહલ શાહ તરફથી જેવી જાણકારી મળી એવી તરત જ અમારી પોલીસ દેવધર રોડ અને ભાલચંદ્ર રોડ પર આ મહિલા-ગૅન્ગની તપાસ કરવા લાગી હતી. પોલીસને ભાલચંદ્ર રોડના એક મકાનમાં આ ગૅન્ગ કોઈને શિકાર બનાવે એ પહેલાં જ અમે તેને ઝડપી લીધી હતી. તેમની પાસેથી છ મોબાઇલ અમે જપ્ત કર્યા હતા.’
અમે આ મહિલાઓને પકડી તો લીધી, પણ અમારી પાસે આ મહિલાઓના વિરુદ્ધમાં કોઈ જ ફરિયાદ નહોતી, એમ જણાવતાં દીપક ચવાણે કહ્યું હતું કે ‘જોકે આ ગૅન્ગ પકડાઈ ગયાના સમાચાર વહેતા થયા પછી અમારી પાસે એક વ્યક્તિ જેના ઘરમાંથી આ મહિલાઓએ મોબાઇલની ચોરી કરી હતી એ ફરિયાદ કરવા આગળ આવી હતી. ત્યાર પછી અમે આ મહિલા-ગૅન્ગની ધરપકડ કરી હતી. આ મહિલાઓ સુરતથી આવીને અહીં હાથ અજમાવી રહી હતી. અમે તેની વધુ તપાસ કરી રહ્યા છીએ. આમ છતાં, હજી આ ગૅન્ગના જે શિકાર બન્યા હોય તેઓ માટુંગા પોલીસ-સ્ટેશનમાં આવીને તેમની ફરિયાદ નોંધાવી જાય જેથી અમે આ ગૅન્ગ પર જરૂરી કાર્યવાહી કરી શકીએ.’