17 November, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરમાં રહેતા કચ્છી વેપારીએ પોતાની બે પુત્રીને સ્કૂલમાં લેવા-મૂકવા માટે ડ્રાઇવર રાખ્યો હતો. તેણે માલિકનો વિશ્વાસ જીતીને કારમાં રાખેલું ક્રેડિટ કાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું. ત્યાર બાદ એકાએક બંને પુત્રીને સ્કૂલમાં છોડ્યા બાદ તે કાર પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરીને ત્યાંથી નીકળી ગયો હતો. એ પછી થોડી જ વારમાં માલિકને ધીરે-ધીરે પોતાના ક્રેડિટ કાર્ડમાંથી ૧.૭૦ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની જાણ થતાં તેમણે ડ્રાઇવર વિરુદ્ધ રફી અહમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચેમ્બુર-પશ્ચિમના છેડાનગરના રોડ-નંબર ચાર નજીક એક સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષના જિગર સાવલાએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ કામ માટે આખો દિવસ ઘરની બહાર રહેતા હોય છે એટલે તેમને બાળકોને સ્કૂલમાં મૂકવા અને પાછા લાવવા માટે સમય મળતો નથી. તેથી બાળકોને સ્કૂલમાં જવા માટે અસુવિધા ન થાય એ માટે તેઓ એક ડ્રાઇવરની શોધમાં હતા. દરમિયાન તેમણે રોહન મોરેને ૧૬ ઑગસ્ટથી કામ પર રાખ્યો હતો. રોહન પર વિશ્વાસ મૂકીને તેની સાથે બે બાળકોને દરરોજ સ્કૂલમાં મોકલવામાં આવતાં હતાં તેમ જ કારમાં સીએનજી ભરવા માટે ક્રેડિટ કાર્ડ પણ રોહનને આપ્યું હતું. ગયા અઠવાડિયે રોહન બાળકોને રાબેતા મુજબ સવારે સ્કૂલમાં લઈ ગયો હતો. તેમણે હંમેશની જેમ ક્રેડિટ કાર્ડ રોહનને કારમાં સીએનજી ભરવા માટે આપ્યું હતું. એ દિવસે રોહન લાંબા સમય સુધી પાછો ન આવ્યો એટલે ફરિયાદીએ રોહનનો તેના મોબાઇલ પર સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે તમારી કાર મેં ઑફિસના પાર્કિંગમાં પાર્ક કરી છે. એમ કહીને તેણે ફોન કટ કરી દીધો હતો. ઘણો સમય થઈ જતાં રોહન પાછો ન આવ્યો એટલે ફરિયાદી કાર પાસે ગયા હતા. ત્યારે કારની ચાવી એની સીટ પર પડી હતી અને કાર લૉક હતી. થોડી વાર બાદ ફરિયાદીને બૅન્કમાંથી પૈસા કપાયા હોવાની માહિતી મળી હતી. એકાએક આશરે ૧.૭૦ લાખ રૂપિયા કપાયા હોવાની અને રોહને તમામ પૈસા વાપર્યા હોવાની માહિતી મળતાં આ ઘટનાની જાણ રફી અહમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી એટલે પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
રફી અહમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં આરોપીની હજી સુધી માહિતી મળી નથી. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’