18 January, 2025 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી પોલીસ-સ્ટેશનમાં પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવા અને પોલીસ સાથે દુર્વ્યવહાર કરવા માટે પોલીસે અંધેરીના ૪૫ વર્ષના લલિત જૈનની ધરપકડ કરી હતી અને તેની પત્ની ચંદાને ચેતવણી આપીને છોડી દેવામાં આવી હતી.
આ બાબતની માહિતી આપતાં પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપી લલિત જૈન અને તેની પત્ની ચંદાના પિતા સાથે કેટલાક વિવાદો થતાં પિતા ડોમ્બિવલીમાં રહેતી તેની બીજી પુત્રીના ઘરે રહેવા જતા રહ્યા હતા. આ પહેલાં તેઓ અંધેરીમાં ચંદાની સાથે રહેતા હતા. ચંદાના પિતાની ફરિયાદને પગલે પહેલાં તો અમે લલિત જૈનને નોટિસ મોકલાવી હતી, પણ તે ભાગી ગયો હતો. આખરે પોલીસે લલિતની ૧૪ જાન્યુઆરીએ ડોમ્બિવલી સ્ટેશનથી ધરપકડ કરી હતી. જ્યાં ચંદાના પિતા, તેની બહેન અને તેની ૧૬ વર્ષની ભત્રીજી હાજર હતાં. પોલીસ-સ્ટેશનમાં જ ચંદા અને લલિત જૈન તેમના સંબંધીએ સાથે ઝઘડવા લાગ્યાં હતાં. જ્યારે પોલીસે દરમ્યાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ દંપતીએ પોલીસ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો તેમ જ તેમની ભત્રીજીના વાળ ખેંચ્યા હતા.