મીરા રોડના શૉપિંગ સેન્ટરમાં પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ફાયરિંગ હત્યાથી ખળભળાટ

04 January, 2025 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે ફાયરિંગ કરનાર આરોપીનો રૂપિયાની લેવડદેવડ બાબતે દુકાનદાર સાથે ઝઘડો થયો હતો

મીરા રોડના શાંતિ શૉપિંગ સેન્ટરની બી વિંગમાં મૃત્યુ પામેલા યુવાન મોહમ્મદ તબરેઝના મૃતદેહ સાથે પોલીસ

મીરા રોડમાં રેલવે-સ્ટેશનની સામે આવેલા શાંતિ શૉપિંગ સેન્ટરમાં ગઈ કાલે રાતે સાડાનવ વાગ્યાની આસપાસ મોહમ્મદ તબરેઝ ઉર્ફે સોનુ નામના યુવકના માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. નયાનગર પોલીસના જણાવ્યા મુજબ શાંતિ શૉપિંગ સેન્ટરની બી-વિંગમાં કોઈની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમે ઘટનાસ્થળે જઈને પંચનામું કર્યું હતું. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી કરવામાં આવેલા ગોળીબારમાં યુવકના માથામાં ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આથી તેના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. ફાયરિંગ કોણે અને કયા કારણસર કરવામાં આવ્યું છે એની માહિતી મેળવવામાં આવી રહી છે. ફાયરિંગ કરનારો આરોપી પલાયન થઈ ગયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે ફાયરિંગ કરનારો યુસુફ નામનો શંકાસ્પદ આરોપી શાંતિ શૉપિંગ સેન્ટરમાં ગયો હતો અને તેનો રૂપિયાની લેવડદેવડ બાબતે દુકાનદાર સાથે ઝઘડો થયો હતો. શંકાસ્પદ આરોપી ઝઘડા બાદ જતો રહ્યો હતો અને સાડાનવ વાગ્યે પાછો આવ્યો હતો ત્યારે તેણે ફાયરિંગ કરતા દુકાનમાં કામ કરતા સોનુ યાદવના માથામાં ગોળી વાગી હતી.  

mira road Crime News mumbai crime news mumbai police mumbai mumbai news