03 April, 2024 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયબર અલર્ટ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
છેલ્લા કેટલાક સમયથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ વગેરે સોશ્યલ મીડિયામાં શૅરબજારમાં રોકાણ કરીને ઝડપથી બે-ત્રણ ગણા રૂપિયા કમાવાની ટિપ આપવામાં આવી રહી છે. આવી લોભામણી જાહેરાતમાં ફસાઈને લોકો મૂડી ગુમાવી રહ્યા હોવાની ફરિયાદો મળ્યા બાદ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે લોકોને સાવધ કરવા માટે ગઈ કાલે એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચના નૉર્થ રીજન સાઇબર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર સુવર્ણા શિંદેએ લોકોને અપીલ કરી છે કે ‘ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયામાં શૅરબજારમાં રોકાણ કરીને ટૂંક સમયમાં બે-ત્રણ ગણા રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે. આવી જાહેરાતથી ભરમાઈને રોકાણ નહીં કરતા, તમારે પણ રૂપિયા ગુમાવવાનો વારો આવશે. આથી તમે સાવધ રહો, સતર્ક રહો.’