12 November, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીના ગોરાઈ બીચના બાબરપાડા વિસ્તારમાં આવેલી પિક્સી હોટેલ નજીકથી રવિવારે એશિયન પેઇન્ટ્સના ૨૦ લીટરના ડબ્બામાં સાત ટુકડામાં ડેડ-બૉડી મળી આવતાં આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. ગોરાઈ પોલીસે ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ડેડ-બૉડી ૩૦થી ૩૫ વર્ષના પુરુષની હોવાની માહિતી પોલીસને મળી છે. ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ પણ આ કેસની તપાસમાં લાગી છે. પોલીસ આ યુવકની ઓળખ કરી શકી નથી.
મીરા રોડ રહેતા સંતોષ શિંદેએ ડેડ-બૉડી પ્લાસ્ટિકના ડબામાં જોઈને ઘટનાની માહિતી અમને આપી હતી એમ જણાવતાં ગોરાઈના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગજાનંદ વિખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની જાણ થતાં અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે ભગવતી હૉસ્પિટલ મોકલી આપી હતી. પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું કે આ હત્યા ૪-૫ દિવસ પહેલાં થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે અને આ ડેડ-બૉડી ૩૦થી ૩૫ વર્ષના પુરુષની છે. ફૉરેન્સિક ટીમ હાલમાં કેસની તપાસ કરી રહી છે. ડેડ-બૉડી પરથી અમને બ્લુ જીન્સ અને કાળાં ચંપલ મળી આવ્યાં છે. ડેડ-બૉડીના જમણા હાથ પર ટૅટૂ છે. ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં અમે પૂછપરછ કરી છે. જોકે હાલમાં મરનારની ઓળખ થઈ શકી નથી. તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. અમે ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને નજીકના પોલીસ-સ્ટેશનમાંથી માહિતી ભેગી કરી રહ્યા છીએ.’