અજબગજબ છેતરપિંડી

05 September, 2024 08:57 AM IST  |  Mumbai | Mehul Jethva

BMCમાં નોકરી મેળવવા ૧૦ લાખ રૂપિયા આપ્યા અને ૧૧ મહિના બાંદરામાં રસ્તાની સફાઈ પણ કરી, પણ પગાર મળતો જ નહોતો એને પગલે આખો બનાવ બહાર આવ્યો

રાજેશ પુરબિયા અને તેમનાં માતા ડાહીબહેન પુરબિયા

ભાઈંદરમાં રહેતા ૩૨ વર્ષના રાજેશ પુરબિયાને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં નોકરી અપાવવાનો વાયદો કરીને ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી જિતેન્દ્ર સોલંકી, મનોજ જાદવ અને સુરેશ મકવાણાએ કરી હોવાની ફરિયાદ મંગળવારે પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આરોપીઓએ પૈસા લીધા બાદ બાંદરાના કાર્ટર રોડ પર રાજેશ પાસે આશરે ૧૧ મહિના સાફસફાઈ કરાવી હતી જેની સામે એક અજબગજબ છેતરપિંડી રૂપિયો પગાર ન મળતાં રાજેશે વધુ તપાસ કરતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.

આશરે ૧૧ મહિના હું દરરોજ ભાઈંદરથી બાંદરા કાર્ટર રોડ નોકરી પર ગયો હતો જેની સામે મને એક પણ રૂપિયાનો પગાર મળ્યો નહોતો એમ જણાવતાં રાજેશ પુરબિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૭માં મારી ઓળખાણ જિતેન્દ્ર સોલંકી સાથે થઈ હતી. તેણે BMCમાં નોકરી અપાવવા ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. એમાં પાંચ લાખ રૂપિયા ઍડ્વાન્સ અને પાંચ લાખ રૂપિયા કામ થયા પછી માગવામાં આવ્યા હતા. હું નોકરી મેળવવા માગતો હોવાથી મેં શરૂઆતમાં તેને પાંચ લાખ રૂપિયા બે હિસ્સામાં આપ્યા હતા. એની સામે તેણે મને BMCના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગમાં નોકરી મળી હોવાનો જૉઇનિંગ લેટર આપ્યો હતો એટલું જ નહીં, મને બાંદરાના કાર્ટર રોડ પર અલ્મેડા પાર્ક ચોકી ખાતે સફાઈ-કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હોવાનું કહીને રોજ સવારે છથી બપોરે એક વાગ્યા સુધી નોકરી પર જવા માટે કહ્યું હતું. એ પ્રમાણે મેં નોકરી જૉઇન કરી હતી અને જે વાત થઈ હતી એ પ્રમાણે ઘરમાં રાખેલું સોનું ગિરવી મૂકીને બીજા પાંચ લાખ રૂપિયા બાંદરામાં જિતેન્દ્ર સોલંકી સાથે મનોજ જાદવ અને સુરેશ મકવાણાને આપ્યા હતા. ત્યાર બાદ હું અલ્મેડા પાર્ક ચોકી ખાતે મહિનાઓ સુધી સફાઈ-કર્મચારીનું કામ કરવા જતો હતો, પરંતુ એનો પગાર મને મળતો નહોતો. એ સમયે મેં જિતેન્દ્રને પગાર વિશે પૂછતાં તેણે ગવર્નમેન્ટનાં કામોમાં થોડો સમય લાગે એમ જણાવ્યું હતું. જોકે આશરે ૧૧ મહિના સુધી કામ કર્યા છતાં મને પગાર મળ્યો નહોતો એટલે મેં  BMCની ઑફિસમાં પગાર વિશે પૂછપરછ કરી ત્યારે મને ખબર પડી કે મારું નામ સફાઈ-કર્મચારી તરીકે નોંધાયેલું નથી. આ પછી મેં તેમની પાસે મારા પૈસા વિશે અને BMCની નોકરી માટે કેટલાક સમય સુધી પૂછપરછ કરી હતી. જોકે તેમણે મને થોડા સમયમાં થઈ જશે એવા વાયદા કર્યા હતા. અંતે મેં મારી ફરિયાદ માહિમ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

રાજેશ પુરબિયાને આપવામાં આવેલું નકલી ઓળખપત્ર

રાજેશનાં મમ્મી ડાહીબહેન પુરબિયાએ છેતરપિંડી કઈ રીતે કરવામાં આવી એના વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મારા દીકરા પાસે કોઈ કામ ન હોવાથી અમે તેના માટે નોકરી શોધી રહ્યાં હતાં એવામાં મને દાદરમાં રહેતા અમારા એક સંબંધી વીરજી રાઠોડ મળ્યા હતા. BMCમાં બહુ જ સારા કૉન્ટૅક્ટ્સ હોવાથી તેમણે મને કહ્યું કે હું રાજેશને નોકરી અપાવી શકું છું, પણ એના માટે તમારે ૧૦ લાખ રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ તેમણે અમારી BMCના એક અધિકારી સાથે મીટિંગ પણ કરાવી હતી. અમારી વચ્ચે નક્કી થયા મુજબ મેં તેમને ઍડવાન્સ રૂપિયા પણ આપ્યા હતા.’

પોલીસ શું કહે છે?

ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ તેને ૨૦૧૯ના અંતમાં થઈ હતી જેની ફરિયાદ કરવા તે હમણાં અમારી પાસે આવ્યો હતો એમ જણાવતાં માહિમ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ રાજેશને દર મહિને નવી-નવી માહિતી આપી તેને નોકરી મળશે એવી લાલચ આપી રહ્યા હતા. જો નોકરી નહીં મળે તો પૈસા પાછા આપશે એવું આશ્વાસન પણ આરોપીઓએ તેને આપ્યું હતું. ત્યાર બાદ વચ્ચે કોરોનાકાળ હોવાથી BMCની ઑફિસ બંધ છે એવા વાયદા કર્યા હતા એટલે તેણે હાલમાં અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હાલમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.’

brihanmumbai municipal corporation bandra bhayander Crime News mumbai crime news mumbai police mumbai mumbai news mehul jethva