13 September, 2024 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માઝગાવમાં રહેતા ૨૮ વર્ષના ગુજરાતી યુવાનને વગર માગ્યે ૬૦૦૦ રૂપિયાની લોન આપી અને એ પૈસા પઠાણી વ્યાજ સાથે વસૂલ કરવા તેના ફોટો મૉર્ફ કરીને વાઇરલ કર્યા હોવાની ફરિયાદ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં મંગળવારે નોંધાઈ છે. ગુજરાતી યુવાનના મોબાઇલ પર સાઇબર ગઠિયાઓએ વૉટ્સઍપ દ્વારા એક લિન્ક મોકલીને ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહીને તેનો ફોન હૅક કરી લીધો હતો. ત્યાર બાદ તેના તમામ સંપર્ક ઉપરાંત તેની ગૅલરીમાં રહેલા ફોટો મેળવી એને મૉર્ફ કરીને ગુજરાતી યુવાનનાં મમ્મી-પપ્પા અને તેની કંપનીના સિનિયર હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટનાં અધિકારીને મોકલવામાં આવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વૉટ્સઍપ પર મોકલવામાં આવેલી લિન્ક પર પૈસા રિડીમ કરવા માટેનો મેસેજ જોઈને ગુજરાતી યુવાને ઍપ્લિકેશન ડાઉનલોડ કરી હતી એમ જણાવતાં ભાયખલા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૮ ઑગસ્ટે ગુજરાતી યુવાનને વૉટ્સઍપ પર એક લિન્ક મોકલવામાં આવી હતી. એમાં ૬૦૦૦ રૂપિયા તાત્કાલિક રિડીમ કરવા વિશે જણાવવામાં આવ્યું હતું. એના પર ક્લિક કરતાં એક ઍપ્લિકેશન તેના ફોનમાં ડાઉનલોડ થઈ હતી. એ ઍપ્લિકેશનમાં કેટલીક માહિતીઓ ભરવાની સૂચના આપવામાં આવી હતી. ૬૦૦૦ રૂપિયા મેળવવા માટે ફરિયાદી યુવાને તમામ માહિતી ભરી દીધી એટલે થોડી વારમાં જ તેના ખાતામાં ૬૦૦૦ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. એ પછી કેટલાક દિવસ સુધી તેને કોઈ કૉલ કે મેસેજ કરવામાં આવ્યો નહોતો. આ ઘટના બાદ બાવીસમી ઑગસ્ટે તેને અલગ-અલગ નંબરો પરથી એ ઍપ્લિકેશન પરથી લીધેલી લોન ભરવા માટે મેસેજ અને કૉલ આવવાના શરૂ થયા હતા. એ પછી તેને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હતી. જોકે એ ફેક હોવાની પાછળથી તેને માહિતી મળી હતી. આ ઉપરાંત આ મહિનાની શરૂઆતમાં તેને દિવસના ૧૦૦ કરતાં વધારે ફોન આવતા હતા જેમાં અલગ-અલગ લોકો ધમકી આપી રહ્યા હતા. એટલું જ નહીં, ૮ સપ્ટેમ્બરે નગ્ન ફોટો પર તેનું મોં લગાવી એ ફોટોને મૉર્ફ કરીને એ તેનાં મમ્મી- પપ્પા અને બેથી ત્રણ સંબંધીઓને મોકલવામાં આવ્યા હતા. હદ ત્યારે થઈ જ્યારે સાઇબર ગઠિયાએ જે કંપનીમાં યુવાન કામ કરે છે એનાં સિનિયર મહિલા અધિકારીને તેના ફોટો મોકલ્યા હતા. અંતે આ તમામ ચીજોથી કંટાળીને તેણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’