10 May, 2020 10:24 AM IST | Mumbai | Mumbai Correspondent
હુમલો કરનાર યુવક અને ઘાયલ થનાર પોલીસ.
કોરોનાના કારણે લૉકડાઉન છે જ એમ છતાં લોકો રાતના ફરવા નીકળી ન પડે એ માટે મુંબઈ પોલીસ તરફથી ઘણી જગ્યાએ નાકાબંધી ગોઠવવામાં આવી છે. આવી જ એક નાકાબંધી દરમિયાન ૨૪ વર્ષના આર્કિટેક્ટ કરુણ પ્રદીપ નાયરે પોલીસ પર ચોપરથી હુમલો કરીને નાસવા માંડ્યું હતું, પરંતુ તેનો પીછો કરી પોલીસે આખરે તેને ઝડપી લીધો હતો. તેની સામે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ-કર્મચારીઓ પર થયેલા ચોપરના હુમલાની આ ઘટનાની માહિતી આપતાં મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મૃત્યુંજય હિરેમઠે કહ્યું હતું કે ‘મરીન ડ્રાઇવ ચોપાટી પાસેના ઠાકર્સ અને પ્રાણસુખલાલ મફતલાલ બાથના જંક્શન પર અમે શુક્રવારે રાતે નાકાબંધી કરી હતી. મધરાત બાદ રાત્રે દોઢ વાગ્યે તળ મુંબઈના પૉશ વિસ્તાર બ્રિચ કેન્ડીના ખંભાલા હિલની સિલ્વર ઓક એસ્ટેટમાં રહેતા કરુણ પ્રદીપ નાયરને નાકાબંધી દરમિયાન પોલીસે રોક્યો હતો. તેણે પહેલાં પોલીસ સાથે જીભાજોડી કરી અને ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કદમ, સબ-ઇન્સ્પેક્ટર શેળકે પર તેની પાસેના ચોપરથી હુમલો કરી નાસવા માંડ્યો હતો. પોલીસ તેની પાછળ પડી હતી. પોલીસ પાસે લાકડી હતી જ્યારે તેના હાથમાં ચોપર હતું. એકથી બે ફર્લાંગ સુધી પીછો કરી પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસેનું ચોપર પણ જપ્ત કર્યું હતું. ઘાયલ થયેલા પોલીસ-કર્મચારીઓને જેજે હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સંદર્ભે એલ. ટી. રોડ પોલીસ સ્ટેશનમાં કરણ નાયર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ એલ. ટી. રોડ પોલીસ કરી રહી છે.’