04 September, 2023 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai crime)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પવઈમાં તેના ફ્લેટમાંથી એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપી દત્તા નલાવડેએ આ વાતની પુષ્ટિ કરી છે. મૃતક યુવતી ટ્રેઇની એર હોસ્ટેસ હતી અને તાજેતરમાં તેની પસંદગી થઇ હતી. યુવતીની ઓળખ રૂપલ ઓગરે તરીકે થઈ છે. તે છત્તીસગઢની હતી અને તેની મોટી બહેન અને બોયફ્રેન્ડ સાથે ફ્લેટમાં રહેતી હતી. બંને છેલ્લા 8 દિવસથી પોતાના ગામ ગયા હતા.
પોલીસને હત્યાની આશંકા છે
પ્રાથમિક તબક્કે પોલીસનું કહેવું છે કે બાળકીની છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. પોલીસ પીડિત યુવતીનો ફોન અને બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી રહી છે.
શું છે સમગ્ર મામલો
ગઈકાલે રાત્રે મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક ઈમારતના ફ્લેટમાંથી એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. મુંબઈ પોલીસના ડીસીપી દત્તા નલાવડેના જણાવ્યા અનુસાર, પવઈ પોલીસ સ્ટેશનની હદમાં મારવાહ રોડ પર સ્થિત એનજી હાઉસિંગ સોસાયટીમાં 20 થી 25 વર્ષની છોકરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
ડીસીપીના જણાવ્યા અનુસાર, આ મામલે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. જોકે આ મૃતક યુવતી કોણ હતી, તે ક્યારે અને શા માટે ફ્લેટમાં એકલી રહેતી હતી અને હત્યાનું કારણ શું છે? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
પવઈ જિલ્લામાં 24 વર્ષની ફ્લાઈટ એટેન્ડન્ટ તેના જ ફ્લેટમાં મૃત હાલતમાં મળવાના મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મામલાની તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલમાં ફ્લાઇટ એટેન્ડન્ટના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે.
નોંધીનીય છે કે આ પહેલા થાણેમાંથી પણ એક ઘટના સામે આવી હતી. થાણેમાં એક 56 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. અહીં સુધી તો વાત ઠીક છે પણ ટૂંક સમયમાં જ તે પણ પોતે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો. આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના કલવાના કુંભાર અલી સ્થિત યશવંત નિવાસ બિલ્ડિંગમાં બની હતી. હાર્ટ એટેકથી જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તે મૃતકની ઓળખ દિલીપ સાલ્વી કરવામાં આવી છે. ઉપરાંત 51 વર્ષીય પત્નીનું નામ પ્રમિલા તરીકે સામે આવ્યું હતું.