કાંદિવલીમાં પાંચ રખડતા શ્વાનોને મારીને ગૂણીમાં ભરીને નાળામાં ફેંકી દેવાયા

12 November, 2024 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રહેવાસીઓએ આ સંદર્ભે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે

શ્વાનોને મારીને ગૂણીમાં ભરી નાળામાં ફેંકી દેવાયા હતા

કાંદિવલી-વેસ્ટના સાંઈનગરના નાળામાં શનિવારે એ જ વિસ્તારના પાંચ રખડતા શ્વાનને ક્રૂર  રીતે તેમના પગ તોડી, ડોક પર તીક્ષ્ણ હથિયારના વાર કરી મારી નાખવામાં આવ્યા હતા અને પછી ગૂણીમાં ભરીને ફેંકી દેવાયા હતા. બાજુની સોસાયટી મંગલમય ટાવરમાં રહેતા રહેવાસીઓએ આ સંદર્ભે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે માહિતી આપતાં મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ્સ કમિશનના વાઇસ પ્રેસિડન્ટ અને પ્રાણીઓ માટેની સંસ્થા પ્યૉર ઍનિમલ લવર્સના લીગલ ઍડ્વાઇઝર રોશન પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગલીઓમાં રખડતા શ્વાનોને બહુ ક્રૂરતાપૂર્વક મારી ગૂણીમાં ભરીને નાળામાં ફેંકી દેવાયા છે. બાજુની સોસાયટીના રહેવાસીઓને આ વિશે જાણ થતાં તેમણે અમારો સંપર્ક કર્યો હતો. અમે કેટલાક વૉલન્ટિયર્સની મદદ લઈ એ મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ બાબતે BMC-ના આર-નૉર્થ વૉર્ડને પણ જાણ કરાઈ છે અને પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસી એ શ્વાનોની હત્યા કરનારાઓને પકડી લેવા પોલીસે તપાસ ચાલુ કરી છે. અમે પોલીસને વિનંતી કરી છે કે આ કૃત્ય કરનારને પકડીને સજા કરવામાં આવે.’

મૂંગાં પ્રાણીઓ પર આટલી ક્રૂરતા કઈ રીતે કરતા હશે?

આ ઘટના સંદર્ભે કેટલાક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે જેમાં નાળાની બાજુમાં જ આવેલી મંગલમય સોસાયટીનાં ૫૦ વર્ષનાં રહેવાસી અને પ્રાણીપ્રેમી મહિલા હિના લિંબાચિયાએ આ બાબતે દુ:ખ વ્યક્ત કરી રોષ ઠાલવ્યો છે. એ વિડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે ‘અમે આ કૂતરાઓનું ધ્યાન રાખીએ છીએ, તેમને ખાવાનું આપતા હોઈએ છીએ. કોઈએ તેમને મારી ગૂણીમાં ભરીને નાળામાં ફેંકી દીધા છે. હું વિનંતી કરું છું કુડાળકર સર (MHB પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને પ્રાણીપ્રેમી સુધીર કુડાળકર) અને બધાને કે ઍક્શન લો, અહીં માનવતા મરી રહી છે. આ તે ક્યાંનો ન્યાય કે જે મૂંગાં પશુઓ છે એમને આ રીતે મારી નખાય. આ શ્વાનોએ ક્યારેય કોઈને હેરાન નથી કર્યા તો એમની સાથે આવું કેમ કરવામાં આવ્યું? દોષીને પકડીને સજા કરો એવી અમે પોલીસને વિનંતી કરીએ છીએ.’

kandivli Crime News mumbai crime news mumbai police mumbai mumbai news