27 November, 2024 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પોતાની બીજી પત્નીને મમ્મીના નામે બોલાવવાનો ઇનકાર કરનારા પુત્રની હત્યા કરનારા પિતાને સેશન્સ કોર્ટે જન્મટીપની સજા આપી હતી. ૨૦૧૮ના કેસમાં આરોપી સલીમ શેખને સજા સંભળાવતી વખતે ઍડિશનલ સેશન્સ જજ એસ. ડી. તવશિલકરે નોંધ્યું હતું કે આ ગુનાનો આર્કિટેક્ટ સલીમ શેખ જ હોવાનું પુરવાર કરવામાં સરકારી પક્ષ સફળ રહ્યો છે.
ડોંગરીમાં રહેતા સલીમનો પુત્ર ઇમરાન સાથે તેની બીજી પત્નીને મમ્મી કહેવાને લઈને ઝઘડો થયો હતો. ત્યારે ઇમરાનની મમ્મી (એટલે કે સલીમની પહેલી પત્ની) ત્યાં હાજર હતી પણ સલીમે તેના પુત્રને મારવાનું શરૂ કર્યું એટલે તે પોલીસને બોલાવવા ગઈ હતી, પણ તે પોલીસને લઈને આવે એ પહેલાં જ સલીમે તેના પર કાતરથી હુમલો કર્યો હતો. તરત જ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ડૉક્ટરોએ ઇમરાનને મૃત જાહેર કર્યો હતો. જોકે બચાવ પક્ષે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ઇમરાન ડ્રગ્સના નશામાં હતો અને તેણે તીક્ષ્ણ હથિયારથી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે કોર્ટે તેમની આ દલીલ માન્ય નહોતી રાખી અને કહ્યું હતું કે જો એવું હોત તો ઇમરાનની મમ્મી મદદ માટે પોલીસ-સ્ટેશન ન ગઈ હોત અને જો આ ખરેખર આત્મહત્યા હોત તો મમ્મી અથવા તો આ કેસના સાક્ષીઓએ તેને બચાવવાની જરૂર કોશિશ કરી હોત.
આ ગુનાને રૅરેસ્ટ ઑફ ધ રૅર કેસ ગણીને આરોપીને ફાંસીની સજા આપવી જોઈએ એવી સરકારી પક્ષની માગ વિશે જજે નોંધ્યું હતું કે પોતાના પુત્રની હત્યા કરવી એ રૅરેસ્ટ ઑફ ધ રૅર ઘટના જ કહેવાય, પણ સુપ્રીમ કોર્ટે રૅરેસ્ટ ઑફ ધ રૅરની જે વ્યાખ્યા કરી છે એમાં એ બંધબેસતી નથી.