midday

શૅરબજારમાં છેતરપિંડી : સેબીનાં ભૂતપૂર્વ વડાં માધબી પુરી બુચ સહિત પાંચ લોકો સામે FIR દાખલ કરવાનો કોર્ટનો આદેશ

03 March, 2025 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને SEBIની નિષ્ક્રિયતાના પગલે ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ હેઠળ એમાં જુડિશ્યલ હસ્તક્ષેપની જરૂર છે
માધબી પુરી બુચ

માધબી પુરી બુચ

મુંબઈની એક સ્પેશ્યલ કોર્ટે ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ને શૅરબજારમાં કથિત છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના સંદર્ભમાં SEBI (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)નાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ અને અન્ય પાંચ જણ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ સ્પેશ્યલ કોર્ટના જજ શશિકાંત એકનાથરાવ બાંગરે શનિવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ‘નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે જેના માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આરોપો દખલપાત્ર ગુનો નોંધાય એવા છે તેથી તપાસ જરૂરી છે. લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને SEBIની નિષ્ક્રિયતાના પગલે ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ હેઠળ એમાં જુડિશ્યલ હસ્તક્ષેપની જરૂર છે.’

માધબી બુચ ઉપરાંત જે અન્ય અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે એમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદર રામન રામમૂર્તિ, એના તત્કાલીન ચૅરમૅન અને પબ્લિક ઇન્ટરેસ્ટ ડિરેક્ટર પ્રમોદ અગરવાલ અને સેબીના ત્રણ પૂર્ણ સમયના સભ્યો અશ્વિની ભાટિયા, અનંત નારાયણ જી. અને કમલેશચંદ્ર વાર્ષ્ણેયનો સમાવેશ છે. કોર્ટે કહ્યું હતું કે એ તપાસ પર નજર રાખશે અને ૩૦ દિવસમાં એનો સ્ટેટસ રિપોર્ટ આપવો પડશે.

આ કેસમાં ફરિયાદી એક મીડિયા રિપોર્ટર છે જેણે આ પ્રસ્તાવિત આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા કથિત ગુનાઓની તપાસની માગણી કરી હતી જેમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી, નિયમોનું ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો સમાવેશ છે.

sebi stock market share market anti-corruption bureau bombay stock exchange finance news news mumbai mumbai news mumbai high court