11 January, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિર્ડીના સાંઈબાબા નજીક પહોંચીને જીવ ગુમાવનારા અંધેરીના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રફુલ સુર્વે.
શિર્ડીમાં આવેલા સાંઈબાબાનાં દર્શન કરવા માટે લોકો જાત-જાતની માનતા રાખે છે. અસંખ્ય લોકો નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે વિવિધ સ્થળેથી પદયાત્રા કરીને શિર્ડી જાય છે. અંધેરી પોલીસ-સ્ટેશનમાં તહેનાત ૫૦ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રફુલ સુર્વે છેલ્લાં ઘણાં વર્ષથી મુંબઈથી શિર્ડી સુધીની પદયાત્રામાં જોડાય છે. આવી જ રીતે તે આ વર્ષે પણ મુંબઈથી શિર્ડીની પદયાત્રામાં જોડાયા હતા. મુંબઈથી શિર્ડીનું અંતર ૨૪૦ કિલોમીટર છે. ગઈ કાલે સવારના ઇન્સ્પેક્ટર તેમના સહયોગીઓ સાથે શિર્ડીથી ૧૦ કિલોમીટરના અંતરે હતા ત્યારે તેમને જોરદાર હાર્ટ-અટૅક આવ્યો હતો. તાત્કાલિક તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને ઍડ્મિટ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. સાંઈબાબાનાં દર્શન માટે છેક મુંબઈથી પગપાળા ચાલીને ૨૩૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી મંદિરથી માત્ર ૧૦ કિલોમીટરનું જ અંતર બાકી રહ્યું હતું ત્યારે પોલીસ-ઇન્સ્પેક્ટરનો જીવ હૃદયરોગના હુમલાને લીધે ગયો હતો. પોલીસ-ઈન્સ્પેક્ટર સાંઈ પાલખી મંડળ સાથે મુંબઈથી શિર્ડી પદયાત્રામાં ગયા હતા. તેમના અચાનક અવસાનથી આ મંડળ અને પોલીસદળમાં શોક છવાઈ ગયો હતો.