10 September, 2023 11:10 AM IST | Mumbai | Bakulesh Trivedi
ફાઇલ તસવીર
મુંબઈમાં મુખ્ય બિઝનેસ સેન્ટર, માર્કેટ્સ અને સરકારી ઑફિસો તળ મુંબઈમાં આવેલી હોવાથી રોજના લાખો લોકો સવારે પરાંમાંથી તળ મુંબઈ અને સાંજે તળ મુંબઈથી વળતો પ્રવાસ કરે છે એટલે રોડ પર ટ્રાફિક-જૅમ રહે છે. એ પરિસ્થિતિને હળવી કરવા અરબી સમુદ્રમાં જમીનને લાગીને જ કોસ્ટલ રોડ બનાવવનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બીએમસીએ હાથ ધર્યો છે. જેને લીધે ઍટ-લીસ્ટ પશ્ચિમનાં પરાંમાંથી તળ મુંબઈ બાય રોડ આવતા લોકોને, મોટરિસ્ટોને ટ્રાફિક-જૅમનો સામનો ન કરવો પડે અને ટ્રાફિક સરળતાથી ચાલતો રહે. જોકે ૨૦૧૭થી લઈને ૨૦૨૩નાં છ વર્ષમાં એ કોસ્ટલ રોડમાં સમયાંતરે કરાયેલા ફેરફારોને કારણે એના કન્સલ્ટન્ટે પણ એ ફેરફારો માટે વધારાનું કામ કરવું પડ્યું છે. એ કન્સલ્ટન્ટનો પહેલો મૂળ કૉન્ટૅક્ટ જે ૩૬ કરોડ રૂપિયાનો હતો એ તબક્કાવાર વધતો ગયો છે અને હવે એ ૮૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
કોસ્ટલ રોડના આ પ્રોજેક્ટનું કામ હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની (એચસીસી) અને લાર્સન ઍન્ડ ટુબ્રોને આપવામાં આવ્યું છે, જ્યારે મે.ઇકૉમ એશિયાની નિમણૂક કન્સલ્ટન્ટ તરીકે કરાઈ છે. ૨૦૧૭માં ૬૮ મહિનાના સમયગાળા માટે ૩૪.૯૨ કરોડ રૂપિયાની ફી સાથે તેમની નિમણૂક કરાઈ હતી.
જોકે ઍક્ચ્યુઅલ કામ શરૂ થયા બાદ કોસ્ટલ રોડમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા પડ્યા. વરલીમાં માછીમારોએ એનો વિરોધ કર્યો હતો. પહેલાં કોસ્ટલ રોડના બે પિલર વચ્ચે ૬૦ મીટરનું અંતર હતું એ ૨૦૦ મીટર કરવામાં આવે એવી માગ માછીમારોએ કરી હતી. વિવાદ લાંબો ચાલ્યો અને આખરે ૧૨૦ મીટરના અંતરે પિલરો રાખવાનો નિર્ણય લેવાયો હતો. આવા ફેરફારોને કારણે એને લગતી એન્જિનિયરિંગની અન્ય બાબતોમાં પણ ઘણા ફેરફાર કરવા પડ્યા હતા. કન્સલ્ટન્ટની ટીમમાં આ કામના અનુભવી એક્સપર્ટનો સમાવેશ કરાતો હોય છે. તેમણે વિદેશોમાં આવા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા હોય છે અને એની ટીમ કામ પર નજર પણ રાખે છે તેમ જ યોજનાબધદ્ધ કામ થાય એ માટે પણ કામ કરતી હોય છે. જેમ-જેમ ફેરફારો થતા ગયા એમ એ કન્સલ્ટન્ટની ટીમે પણ વધારાના ફેરફારો કરવા અલગ રીતે એના પર કામ કરવું પડ્યું. એટલે તેમની ફીમાં પણ એ રીતે તબક્કાવાર વધારો થતો ગયો અને હવે એ કૉન્ટ્રૅક્ટ જે ૩૪.૯૨ કરોડ રૂપિયાનો હતો એ વધીને ૮૫.૬૪ કરોડ રૂપિયાનો થઈ ગયો છે.