10 February, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ
બાંદરા-વરલી સી લિન્કથી પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર સુધી શરૂ કરવામાં આવેલા કોસ્ટલ રોડની નજીક વરલી, બ્રીચ કૅન્ડી અને નેપિયન સી રોડના રહેવાસીઓ રાતે દસથી બાર વાગ્યાની વચ્ચે અમુક મોટરિસ્ટો આ રોડને રેસિંગ-ટ્રેકમાં ફેરવી દેતા હોવાથી એને લીધે થતા ઘોંઘાટથી હેરાન થઈ ગયા છે અને તેમણે મુંબઈ પોલીસથી લઈને મુખ્ય પ્રધાનને એની ફરિયાદ પણ કરી છે. આવા સમયે હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પહેલી એપ્રિલથી કોસ્ટલ રોડને ચોવીસ કલાક ખુલ્લો રાખવા જઈ રહી હોવાથી આ વિસ્તારના રહેવાસીઓની ઊંઘ ઊડી ગઈ છે. તેમનું કહેવું છે કે ‘BMCએ આવો કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં અમને જે તકલીફ થઈ રહી છે એનું નિરાકરણ લાવવું જોઈએ. અત્યારે કોસ્ટલ રોડ પર સ્પીડ-ડિટેક્શન કૅમેરા ન હોવાથી મોટરિસ્ટોને મોકળું મેદાન મળી ગયું છે અને એનો જ ફાયદો રેસર્સ ઉઠાવી રહ્યા છે.’
અત્યારે કોસ્ટલ રોડ સવારે સાતથી રાતે ૧૨ વાગ્યા સુધી ખુલ્લો રહે છે. BMCના ઍડિશનલ કમિશનર અમિત સૈનીએ કહ્યું હતું કે ‘અત્યારે કોસ્ટલ રોડ પર જુદાં-જુદાં કામ ચાલી રહ્યાં છે. માર્ચ સુધીમાં આ કામ પૂરાં થઈ જવાની ગણતરી છે. માર્ચમાં આનો રિવ્યુ કરીને એપ્રિલથી ચોવીસ કલાક એને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.’
૫૦,૦૦,૦૦૦
ગયા વર્ષની ૧૨ માર્ચે શરૂ થયેલા કોસ્ટલ રોડ પર જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં આટલાં વાહનોની અવરજવર થઈ છે
૧૦.૫૮૦
વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીના કોસ્ટલ રોડની આટલા કિલોમીટર લંબાઈ છે
૨૦,૦૦૦
કોસ્ટલ રોડ પરથી રોજ આટલાં વાહનો પસાર થાય છે
સ્પીડ-ડિટેક્શન કૅમેરા બેસાડવાના કામ પર બ્રેક
કોસ્ટલ રોડ પર કારની સ્પીડ પર દેખરેખ રાખવા માટે આઠ જગ્યાએ ૨૮ સ્પીડ-ડિટેક્શન કૅમેરા બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ એનો ૧૪ કરોડ રૂપિયા ખર્ચ આવતો હોવાથી એને ઓછો કરવાનો BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ આદેશ આપ્યો હોવાથી અત્યારે આ કામને બ્રેક લાગી ગઈ છે. કમિશનરે અધિકારીઓને આઠ કરોડ રૂપિયામાં આ કામ પૂરું કરવા કહ્યું છે.