ગણેશોત્સવ સુધી ચાલુ રહેશે મેઘરાજાની મહેર

09 September, 2023 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા બે દિવસથી ચાલુ થયેલા વરસાદનાં ઝાપટાં હવે દર થોડી-થોડી વારે પડવા માડ્યાં છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.

ગુરુવારની જેમ ગઈ કાલે પણ શહેરમાં છૂટાછવાયાં જોરદાર ઝાંપટાં પડ્યા હતા. આશિષ રાજે


મુંબઈ ઃ છેલ્લા બે દિવસથી ચાલુ થયેલા વરસાદનાં ઝાપટાં હવે દર થોડી-થોડી વારે પડવા માડ્યાં છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદ હવે ગણેશોત્સવ સુધી આમ જ રહેવાની શક્યતા છે. હળવાંથી ભારે ઝાપટાં મુંબઈ અને આસપાસના એમએમઆર વિસ્તારમાં પડતાં રહેશે.  
મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે નૈઋત્યનું ચોમાસું ફરી ઍક્ટિવ થઈ ગયું છે. ગઈ કાલે ગુજરાત અને કોંકણ પટ્ટી સહિત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારમાં મોટા ભાગની જગ્યાએ વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે ઝાપટાં પણ પડ્યાં હતાં. ગણેશોત્સવ સુધી હવે આ જ રીતે હળવાંથી ભારે ઝાપટાં પડતાં રહે એવી શક્યતા હાલ દર્શાવાઈ છે. 
બીએમસીના જણાવ્યા અનુસાર ગઈ કાલે સવારના ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમ્યાન મુંબઈ શહેરમાં ૨૬.૭૧ એમએમ, પૂર્વનાં પરાંમાં ૪૪.૧૦ એમએમ અને પશ્ચિમનાં પરાંમાં ૪૮.૭૮ એમએમ વરસાદ નોંધાયો હતો. કોલાબામાં ૪૬.૦ એમએમ, જ્યારે સાંતાક્રુઝમાં ૭૦.૩ એમએમ વરસાદ નોંધાયો હતો. આવનાર થોડા દિવસ હજી વરસાદની આ જ ચાલ રહેશે અને હળવાંથી ભારે ઝાપટાં પડતાં રહેશે. આ દિવસો દરમ્યાન અરબી સમુદ્રમાં ૪૫થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા જોવાઈ રહી છે. આજે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં યલો અલર્ટ જાહેર કરાયું છે.  

mumbai rains mumbai news maharashtra news