14 December, 2022 11:25 AM IST | Mumbai | Suraj Pandey
ફાઇલ તસવીર
મુંબઈમાંથી કોરોના હવે વિદાય લેવાની તૈયારી છે. બોરીવલી, કુર્લા, ચેમ્બુર, ગોરેગામ સહિતનાં વધુ વસ્તી ધરાવતાં સબર્બ્સ સહિતના શહેરના નવ મોટા વૉર્ડમાં ગયા અઠવાડિયાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે અન્ય વૉર્ડમાં કેસ ઘટવા માંડ્યા છે અને એક આંકમાં કેસ નોંધાઈ રહ્યા છે.
અત્યાર સુધીમાં ૧૧,૫૪,૯૯૭ શહેરીજનો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે ૧૯,૭૪૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘એક સમયે શહેરમાં રોજના ૨૦,૦૦૦ કેસો નોંધાતા હતા, પણ હવે સંક્રમણ એટલું ઘટી ગયું છે કે રોજના એક આંકડામાં કેસ નોંધાઈ રહ્યા છે. સારા સમાચાર એ છે કે ઘણા વૉર્ડ કોરોનામુક્ત થઈ રહ્યા છે.’
સુધરાઈના રેકૉર્ડ પ્રમાણે ૨૪માંના નવ વૉર્ડમાં છેલ્લા સાત દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ વૉર્ડમાં કુર્લા (એલ વૉર્ડ), કાંદિવલી (આર-સાઉથ વૉર્ડ), ભાયખલા (ઈ વૉર્ડ), કોલાબા (આર વૉર્ડ), ચેમ્બુર-ઈસ્ટ (એમ-ઈસ્ટ વૉર્ડ), બોરીવલી (આર-સેન્ટ્રલ વૉર્ડ), મરીન લાઇન્સ (સી વૉર્ડ), ચેમ્બુર-વેસ્ટ (એમ-વેસ્ટ વૉર્ડ) અને ગોરેગામ (પી-સાઉથ વૉર્ડ) જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
મહામારીમાં સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા હતા એ અંધેરી-વેસ્ટ અને અંધેરી-ઈસ્ટમાં ચોથીથી દસમી જાન્યુઆરી દરમિયાન અનુક્રમે ફક્ત ચાર અને એક જ કેસ નોંધાયો હતો.
શહેર સુધરાઈના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘મહામારી પૂરી થઈ ગઈ, પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એ અંગે સત્તાવાર જાહેરાત નથી કરી. રોજ ૨,૦૦૦ જેટલી ટેસ્ટ કર્યા પછી અમને ૨૦-૩૦ કેસ જોવા મળે છે. અમુક દિવસોએ શહેરમાં એક આંકમાં કેસ નોંધાયા હતા.’
શહેર સુધરાઈનાં જૉઇન્ટ એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉક્ટર દક્ષા શાહે જણાવ્યું હતું કે ‘વાઇરસનું પ્રસરણ ઘટી ગયું છે અને લોકોએ રસી પણ લઈ લીધી છે. આથી કેસ ઘટી રહ્યા હોય એ શક્ય છે. વધુમાં એકથી વધુ મ્યુટેશન્સ પછી બીમારીની ગંભીરતા પણ ઓછી થઈ ગઈ છે.’
4
ચોથીથી દસમી જાન્યુઆરી દરમિયાન અંધેરી-વેસ્ટમાં નોંધાયેલા કેસની સંખ્યા.
1
ચોથીથી દસમી જાન્યુઆરી દરમિયાન અંધેરી-ઈસ્ટમાં નોંધાયેલા કેસ.