મુંબઈ સર્કલનો પહેલવહેલો ડબલ ડેકર બ્રિજ શરૂ થયો

29 August, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડમાં મેટ્રો-૯ લાઇનની સાથે બાંધવામાં આવેલા બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને છુટકારો મળશે

મીરા રોડમાં મેટ્રોની લાઇનની સાથે બાંધવામાં આવેલો પહેલવહેલો ડબલ ડેકર બ્રિજ ગઈ કાલે લોકાર્પણ કરવામાં આવ્યો હતો

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા મીરા-ભાઈંદરમાં બાંધવામાં આવી રહેલા મેટ્રો-૯ પ્રોજેક્ટની સાથે-સાથે કાશીમીરાથી ગોલ્ડન નેસ્ટ સર્કલ સુધીમાં ડબલ ડેકર બ્રિજનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આમાંથી મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક, હાટકેશ જંક્શન અને સિલ્વર પાર્ક જંક્શન સુધીનો એક કિલોમીટર લંબાઈનો ડબલ ડેકર બ્રિજ તૈયાર થઈ ગયો છે એટલે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે મંગળવારે મોડી રાત્રે શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને વિધાનસભ્ય ગીતા જૈને પણ MMRDA, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.

MMRDAના અધિકારીના જણાવ્યા મુજબ મેટ્રો-૯ની લાઇનની નીચેના ભાગમાં અને જમીનથી ૫.૫ મીટરની ઊંચાઈએ ડબલ ડેકર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાશીમીરાથી ગોલ્ડન નેસ્ટ સર્કલ સુધી આવા ત્રણ બ્રિજ બનશે. એમાંથી મુંબઈનો પહેલવહેલો ડબલ ડેકર બ્રિજ તૈયાર થઈ ગયો છે એટલે એ વાહનવ્યવહાર માટે શરૂ દેવામાં આવ્યો છે.ટૂંક સમયમાં આવા બીજા બ્રિજ પણ શરૂ થઈ ગયા બાદ મીરા રોડનાં જંક્શનો પર થતી ટ્રાફિકની સમસ્યા દૂર થશે.

mira road bhayander mira bhayandar municipal corporation mumbai metropolitan region development authority mumbai news mumbai news