કૌભાંડના સૂત્રધારે પોતાનાં બે બાળક પણ વેચ્યાં હતાં

27 November, 2023 07:30 AM IST  |  Mumbai | Faizan Khan

આ ઉપરાંત બહેન અને સાળીના એક-એક બાળકનો પણ સોદો કર્યો : બાળકોની લે-વેચનું મોટું રૅકેટ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું : પોલીસને આ રૅકેટમાં ૫૦થી પણ વધુ બાળકોને વેચવામાં આવ્યાં હોવાની છે શંકા

કૌભાંડનો સૂત્રધાર બાલકૃષ્ણ કાંબળે

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લા પાડેલા ચાઇલ્ડ ટ્રાફિકિંગના એક મોટા કૌભાંડના મુખ્ય સૂત્રધાર બાલકૃષ્ણ કાંબળેએ પોતાનાં બે સંતાનોને પણ વેચી દીધાં હતાં. ૩૩ વર્ષના કાંબળેએ પોતાની બહેનના અને પોતાની સાળીના એક-એક બાળકને પણ વેચ્યાં હતાં.

બાલકૃષ્ણ કાંબળેએ તપાસકારોને કહ્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં વિરારમાં તે મિડલમૅન તરીકે કામ કરતો હતો. એ ઘટનાને પગલે તેનું બાળકો વેચવાના ધંધામાં ઝુકાવવાનું શરૂ થયું હતું, કારણ કે આમ પણ તેની પાસે કોઈ નોકરી-ધંધો નહોતો.’

બાળકોની લે-વેચનું આ રૅકેટ ત્યારે બહાર આવ્યું જ્યારે અંધેરીના એક કપલના ઘરમાં અચાનક ત્રીજું બાળક આવ્યું અને વધુ તપાસ થતાં આરોપીઓ સુધી પગેરું પહોંચ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે બાળકોની લે-વેચના આ રૅકેટ દ્વારા ત્રણ ડઝન બાળકોની લે-વેચ થઈ હોવાનું મનાય છે. ક્રાઇમ બ્રાન્ચે લે-વેચનો ભોગ બનેલાં ૨૦ જેટલાં બાળકોની એક યાદી તૈયાર કરી છે. આ બાળકોની ઓળખ શોધી કાઢીને પછી તેમને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ રૅકેટમાં ૪૫ વર્ષનો શફીક શેખ પણ સંડોવાયેલો છે. તે વિરારમાં રિક્ષા ચલાવે છે. તે જરૂરતમંદ દંપતીઓના કૉન્ટૅક્ટ્સ પોતાની પાસે રાખતો હતો અને બાળકો વેચવા માગતાં દંપતીઓ સાથે તેમની મુલાકાત કરાવતો હતો.

રૅકેટની એક આરોપી વૈશાલી પગારિયા ભાયખલાની રહેવાસી છે. તે ચાર બાળકોના સોદામાં સંડોવાયેલી હોવાનું મનાય છે. ઉષા અનિલ રાઠોડ નામની બીજી મહિલા પણ કમસે કમ એક બાળકના સોદામાં સંડોવાયેલી છે.

આ રૅકેટના સંદર્ભમાં રવિવારે વિરાર તથા ચિપલૂણમાં અમુક જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી અને કેટલાક વધુ લોકોને પકડવામાં આવ્યા હતા. હવે પોલીસને શંકા છે કે આ રૅકેટમાં ૫૦થી પણ વધુ બાળકોને વેચવામાં આવ્યાં હોઈ શકે છે.

virar crime branch mumbai crime branch Crime News mumbai crime news mumbai mumbai news faizan khan