01 February, 2023 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ બજેટ : રોડ, બ્રિજ, હેલ્થ, ઇન્ફ્રા અને શિક્ષણ ક્ષેત્રમાં ફોકસ રહેવાની શક્યતા
મુંબઈ : ભારતની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ બીએમસીનું બજેટ આવતી કાલે રજૂ થશે. બીએમસીના ઇતિહાસમાં ૩૮ વર્ષ બાદ પ્રશાસક નિયુક્ત કરવામાં આવેલા અત્યારના કમિશનર ઇકબાલ સિંહ ચહલ પહેલી વખત ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ પેશ કરી શકે છે. આ બજેટમાં રોડ, બ્રિજ, ઇન્ફ્રા, હેલ્થ અને શિક્ષણને વધુ પ્રાથમિકતા આપવામાં આવે એવી શક્યતા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાંચ વર્ષની ટીમ ગયા માર્ચ મહિનામાં પૂરી થયા બાદ અહીં ઍડ્મિનિસ્ટ્રેટર એટલે કે પ્રશાસક બીએમસીનો કારભાર ચલાવી રહ્યા છે.
ગયા વર્ષે મુંબઈ બીએમસીનું ૪૫,૯૪૯.૨૧ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ વખતે ગયા વર્ષના બજેટમાં ૪૫૦૦ કરોડ રૂપિયાનો વધારો કરીને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઈ શકે છે.
આ વખતના બજેટમાં મુંબઈની કાયાપલટ કરવા માટેના પ્લાનના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મુકાવાની શક્યતા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મુંબઈના અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આગામી બેથી ત્રણ વર્ષમાં મુંબઈને વિશ્વકક્ષાનું શહેર બનાવવા માટેના પ્લાન પર મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન ફોકસ કરી રહ્યા છે એટલે બજેટમાં આ બાબતને ધ્યાનમાં રાખીને મોટું ફન્ડ ફાળવવાની શક્યતા છે.
કોરોનાની પરિસ્થિતિમાંથી ઊભા થયેલા મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હેલ્થ સેક્ટરમાં ગયા વર્ષના બજેટમાં ૧૫ ટકા એટલે કે ૧,૮૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ વર્ષે પણ આ સેક્ટરમાં વધુ રૂપિયા ફાળવાઈ શકે છે.
કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા માટે કોસ્ટલ રોડ, સિમેન્ટના રોડ, નવા ફ્લાયઓવર અને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડનાં કામ અત્યારે ચાલી રહ્યાં છે. આ કામ માટે વધુ રૂપિયાની જરૂર પડશે એટલે એના પર બજેટમાં વિશેષ ફોકસ રહી શકે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટર ઉપરાંત બજેટમાં શિક્ષણ માટે પણ નોંધપાત્ર જોગવાઈ થઈ શકે છે. બીએમસીની સ્કૂલોમાં હવે આઇસીએસઈ, સીબીએસઈ, ઇન્ટરનૅશનલ અને કૅમ્બ્રિજ એજ્યુકેશન પૅટર્ન લાગુ કરાવાઈ છે. આ સિવાય સ્કૂલોની ઇમારતોનું સમારકામ અને ડિજિટલ ક્લાસરૂમ્સ બનાવવાની યોજના છે. આ માટે ગયા વર્ષે આ સેક્ટરમાં ફાળવવામાં આવેલા ૩,૩૭૦.૨૪ કરોડ કરતાં વધુ રકમ આપવામાં આવી શકે છે.
ચોમાસાના સમયમાં આખા શહેરમાં કોઈ જગ્યાએ પાણી ન ભરાય એ માટે બીએમસી દ્વારા નવી ડ્રેનેજ લાઇનો અને પાણીના નિકાલ માટેનાં નાળાંઓ બાંધવામાં આવી રહ્યાં છે. આ કામ માટે પણ બજેટમાં વધુ નાણાં ફાળવાઈ શકે છે. મુંબઈના રસ્તાની વાત કરીએ તો ગયા વર્ષે બજેટમાં સિમેન્ટના રસ્તા માટે ૨,૨૦૦ કરોડ રૂપિયા ફાળવાયા હતા. એની સામે બીએમસીએ તાજેતરમાં જ ૬,૦૦૦ કરોડ રૂપિયાના સિમેન્ટના રસ્તા બનાવવા માટેના વર્કઑર્ડર આપી દીધા છે. આગામી બજેટમાં રસ્તા માટે આ સિવાય વધુ રકમ મળી શકે છે.
બીએમસીના એક અધિકારીના જણાવ્યા મુજબ સિમેન્ટના રસ્તા સિવાય ગયા વર્ષના બજેટમાં ૧,૫૭૬ કરોડ રૂપિયા બ્રિજ વિભાગ માટે અલગથી ફાળવવામાં આવ્યા હતા. આ વર્ષના બજેટમાં વધારે ફન્ડ પ્રાપ્ત કરવા માટે એક લાખ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટનો ઉપયોગ કરી શકે છે. દહિસર અને ભાઈંદરને જોડતો લિન્ક રોડ બાંધવા માટે બીએમસી ૩,૧૮૬ કરોડ રૂપિયાના કામનાં ટેન્ડર જારી કરી દીધાં છે. એ સિવાય કર્નાક બ્રિજ, ગોખલે બ્રિજ અને વિદ્યાવિહારનાર ફુટઓવરબ્રિજ બાંધવા માટે બજેટમાં વધુ રૂપિયા ફાળવી શકાય છે.
મહત્ત્વની વાત એ છે કે મુંબઈ બીએમસીના ઇતિહાસમાં બીજી વખત સ્ટૅન્ડિંગ કમિટીને બદલે ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરાયેલા કમિશનર ઇકબાલ સિંહ ચહલ બજેટ રજૂ કરશે.