20 October, 2023 11:05 AM IST | Mumbai | Samiullah Khan
સીસીટીવી ફુટેજનો સ્ક્રીનગ્રૅબ, જેમાં આરોપી બુરખામાં દેખાય છે (ડાબે). આરોપી પોલીસને હવાલે (જમણે).
સ્કૂલની બહાર બુરખો પહેરીને મહિલાનો વેશ ધારણ કરનાર તથા સ્કૂલમાંથી બહાર નીકળી રહેલી વિદ્યાર્થિનીઓનો વિડિયો રેકૉર્ડ કરતી વ્યક્તિની માલવણી પોલીસે ધરપકડ કરી હતી. વાત એમ છે કે પરીક્ષા બાદ સ્કૂલમાંથી બે વિદ્યાર્થિની બહાર નીકળી રહી હતી ત્યારે બુરખો પહેરેલી એક વ્યક્તિ તેમને શૂટ કરતી જણાઈ હતી. શરૂઆતમાં તેમણે તેને અવગણવાનું પસંદ કર્યું હતું. એમ છતાં તેણે મોબાઇલ બંધ નહોતો કર્યો. વિદ્યાર્થિનીઓ પાછી સ્કૂલમાં ગઈ હતી અને સિક્યૉરિટી ગાર્ડ્સ, શિક્ષક તથા અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. લોકોને સાથે આવતા જોઈને તે વ્યક્તિ ગભરાઈ ગઈ હતી અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. સિક્યૉરિટી ગાર્ડ તથા અન્ય વિદ્યાર્થિનીઓએ તેનો પીછો કર્યો હતો અને લોકોની મદદથી તેને ૫૦૦ મીટર દૂર પકડી લીધો હતો.
પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ‘અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ચાઇલ્ડ સેફ્ટી અને સિક્યૉરિટી તેમ જ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અંગેનું શિક્ષણ મેળવે છે એટલે અમારા સ્ટુડન્ટ્સ તથા માતા-પિતા વધુ સતર્ક છે. આજની ઘટના અનું ઉદાહરણ છે.’
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘૩૫ વર્ષના આરોપી પર ભારતીય દંડસંહિતાની કલમ ૩૫૪ અને ૫૦૪ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ ઍક્ટની કલમ ૮ અને ૧૨ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. વેશમાં વપરાયેલો બુરખો પુરાવા તરીકે જપ્ત કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.’
આરોપીએ કબૂલાત બાદ દાવો કર્યો હતો કે તેનો કોઈ ખરાબ ઇરાદો નહોતો. તેણે કહ્યું હતું કે તેની દીકરી સ્કૂલ આવવામાં મોડું કરતી એટલે એનું કારણ જાણવા અને તેની દીકરીને ખ્યાલ ન આવે એ માટે તેણે આ વેશ ધારણ કર્યો હતો.