08 July, 2024 06:35 AM IST | Mumbai | Bakulesh Trivedi
ગઈ કાલે સવારે BMW કારે અકસ્માત કર્યો ત્યારે મિહિર શાહ કાર ચલાવતો હોવાનો આક્ષેપ ઍક્સિડન્ટમાં મૃત્યુ પામનાર કાવેરી નાખવા (જમણે, ઉપર)ના પતિ પ્રદીપ નાખવાએ કર્યો છે. ( તસવીર - આશિષ રાજે)
વરલીના ઍની બેસન્ટ રોડ પર ગઈ કાલે પરોઢિયે ૫.૩૦ વાગ્યે ઍટ્રિયા મૉલ સામે સ્કૂટી પર વરલી-કોલીવાડા જઈ રહેલા માછીમાર દંપતીને પાછળથી પૂરઝડપે આવી રહેલી BMW કારે અડફેટે લીધું હતું. આ દુર્ઘટનામાં ૪૫ વર્ષની કાવેરી પ્રદીપ નાખવાનું મૃત્યુ થયું હતું, જ્યારે પ્રદીપ નાખવા ઈજાગ્રસ્ત થયા હતા. વરલી પોલીસે આ સંદર્ભે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
રલી-કોલીવાડામાં રહેતાં પ્રદીપ અને કાવેરી નાખવા ક્રૉફર્ડ માર્કેટ પાસે માછલી લેવા ગયાં હતાં અને ત્યાંથી તેમના ઍક્ટિવા પર ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી. BMW કારે તેમના ઍક્ટિવાને પાછળથી અડફેટે લેતાં તે બન્ને કારના બૉનેટ પર પટકાયાં હતાં. એ વખતે થોડી સમયસૂચકતા વાપરીને પ્રદીપ નાખવાએ બૉનેટ પરથી જમ્પ મારી દીધી હતી એટલે તેમને થોડી ઘણી ઈજા થઈ હતી, પણ તે બચી ગયા હતા. જોકે કાવેરી નાખવા એમ નહોતાં કરી શક્યાં. એવું કહેવાય છે કે તેમની સાડીનો છેડો વ્હીલમાં આવી જતાં તે નીચે પટકાયાં હતાં અને કારની આગળ ફસાઈ ગયાં હતાં. ઍક્સિડન્ટ થયા પછી પણ કાર ચલાવી રહેલા ડ્રાઇવરે કાર ઊભી રાખી નહોતી અને ત્યાંથી છટકવા કાર ચલાવ્યે રાખી હતી જેને કારણે કાવેરી નાખવા પણ એની સાથે ઘસડાયાં હતાં. લગભગ ૧૦૦ મીટર સુધી તેઓ કાર સાથે ઘસડાયાં હતાં. એ પછી પાછળ આવી રહેલા અન્ય વાહનચાલકોએ આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલાં કાવેરી નાખવા અને તેમના પતિ પ્રદીપ નાખવાને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. ત્યાં ડૉક્ટરે કાવેરી નાખવાને મૃત જાહેર કર્યાં હતાં, જ્યારે પ્રદીપ નાખવાનો ઇલાજ કરવામાં આવ્યો હતો.
એ પછી વરલી પોલીસે કાર જપ્ત કરી હતી અને કાર-ડ્રાઇવર રાજરિશી રાજેન્દ્ર બિડાવતને તાબામાં લીધો હતો. એ BMW કાર પાલઘરના બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર, બિઝનેસમૅન અને શિવસેનાના ઉપનેતા રાજેશ શાહના નામ પર રજિસ્ટર થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. કારનો ઍક્સિડન્ટ થયો ત્યારે કારમાં તેમનો ૨૮ વર્ષનો દીકરો મિહિર અને ડ્રાઇવર હતા એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે તેમને પણ તાબામાં લઈને તેમની પૂછપરછ કરી હતી. રાજેશ મહેતાએ પોલીસને કહ્યું હતું કે અકસ્માત થયો ત્યારે કાર ડ્રાઇવર ચલાવી રહ્યો હતો, જ્યારે બીજી બાજુ આ અકસ્માતમાં ઘાયલ થનાર અને પત્ની ગુમાવનાર પ્રદીપ નાખવાએ કહ્યું હતું કે કાર એ વખતે મિહિર ચલાવી રહ્યો હતો.
મિહિરે મિત્રો સાથે જુહુના બારમાં પાર્ટી કરી હતી
જુહુના વાઇસ ગ્લોબલ બારના માલિક કરણ શાહે પોલીસને માહિતી આપતાં કહ્યું હતું કે ‘મિહિર શાહ શનિવારે રાતે તેના ચાર મિત્રો સાથે આવ્યો હતો. તેઓ મર્સિડીઝ કારમાં આવ્યા હતા. રાતે ૧૧.૦૮ વાગ્યે તેઓ બારમાં આવ્યા હતા અને ૧.૨૮ વાગ્યે બારમાંથી નીકળ્યા હતા. એ બધાએ એ વખતે એક-એક બિયર પીધો હતો અને તેમનું ૧૮,૭૩૦ રૂપિયાનું બિલ થયું હતું જે મિહિરના મિત્રએ ચૂકવ્યું હતું.’
કરણ શાહે વધુમાં કહ્યું હતું કે તેમણે મિહિરને આઇડેન્ટિટી કાર્ડ જોઈને એન્ટ્રી આપી હતી જેમાં તેની ઉંમર ચેક કરતાં તે ૨૮ વર્ષનો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ હસ્તગત કર્યાં છે.
મિહિર સવારે ૮ વાગ્યે બાંદરા જવા નીકળ્યો ત્યારથી તેનો ફોન બંધ
મધરાત બાદ રાત્રે દોઢ વાગ્યે બારમાંથી નીકળ્યા બાદ મિહિર ગોરેગામ ઘરે ગયો હતો અને ત્યાર બાદ ડ્રાઇવરને કહ્યું હતું કે ચાલ, આપણે લૉન્ગ ડ્રાઇવ પર જવાનું છે. એમ કહીને તેઓ તેમની કાર લઈને નીકળ્યા હતા. તેઓ ટાઉન સાઇડ આવ્યા હતા અને ત્યાર બાદ ગોરેગામ પાછા ફરતી વખતે તેમની કારે નાખવા દંપતીને અડફેટે લીધું હતું. ત્યારે કાર મિહિર ચલાવી રહ્યો હોવાનું અકસ્માતમાં ઘાયલ થનાર પ્રદીપ નાખવાએ વરલી પોલીસને જણાવ્યું છે. જોકે અકસ્માત પછી મિહિર ગોરેગામમાં તેની ફ્રેન્ડના ઘરે ગયો હતો અને ત્યાંથી સવારના આઠ વાગ્યે એમ કહીને નીકળી ગયો હતો કે તે બાંદરા કોઈ ફ્રેન્ડને મળવા જઈ રહ્યો છે. એ પછી તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવી રહ્યો છે. વરલી પોલીસ તેને શોધી રહી છે.
પોલીસનું કહેવું છે કે ‘અકસ્માત કર્યા બાદ ડ્રાઇવર અને મિહિર બાંદરાના કલાનગર કાર લઈને ગયા હતા. ત્યાં તેમણે કારની નંબર પ્લેટ કાઢીને એને પાછળની સીટ પર મૂકી દીધી હતી.’
કોઈને છાવરવામાં નહીં આવે : એકનાથ શિંદે
મિહિરના પિતા રાજેશ શાહ શિવસેનાના પાલઘરના ઉપનેતા હોવાનું સામે આવ્યા બાદ તેને રાજકીય દબાણને કારણે ફેવર મળી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. એ ચર્ચાનો છેદ ઉડાડી દેતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ‘કાયદા સામે બધા સમાન છે. સરકાર પણ બધી જ ઘટનાને સમાન રીતે જુએ છે. એથી આ ઘટનાને અલગ ન્યાય આપવામાં આવે એવું નથી. જે થશે એ કાયદેસર રીતે થશે અને કોઈનેય છાવરવામાં નહીં આવે. આ ઘટના બહુ જ કમનસીબ અને દુ:ખદ છે. આવી ઘટનાઓ વારંવાર ન બને એ માટે શાસન અને ગૃહખાતું ઉપાય યોજના કરશે. વિરોધ પક્ષો પાસે ટીકા કરવા સિવાય બીજું કશું કામ નથી. ભલે તે શિવસેનાનો કાર્યકર હોય, કોઈ તેને છાવરશે નહીં. બધાને સરખો ન્યાય આપવાની સરકારની ભૂમિકા છે.’
કાર રોકવાનું કહેવા છતાં તેણે રોકી નહીં
આ અકસ્માતમાં ઘાયલ થયેલા અને પત્ની ગુમાવનારા પ્રદીપ નાખવાએ એક ચૅનલને કહ્યું હતું કે ‘અમે માછલી લઈને પાછા ફરી રહ્યા હતા. એ વખતે માછલીનું વજન હોય છે એટલે સ્પીડમાં બાઇક નથી ચલાવતા, ૩૦-૩૫ની સ્પીડ હોય છે. તે કારવાળાએ અમને પાછળથી ટક્કર મારતાં અમે બન્ને બૉનેટ પર પટકાયાં હતાં. મે કાર ચલાવનારને કહ્યું પણ ખરું કે રોક... રોક... પણ તેણે કાર રોકી જ નહીં અને ચલાવ્યે જ રાખી. એ પછી હું કાર પરથી ડાબી બાજુ નીચે પડ્યો અને મારી વાઇફ પૈડાં નીચે આવી ગઈ. તે મારી વાઇફને સી. જે. હાઉસથી ઠેઠ સી-લિન્ક સુધી ઘસડી ગયો. એ કાર પાતળો છોકરો ચલાવી રહ્યો હતો. તેનું પોપટ જેવું થોડું નાક હતું, થોડી દાઢી હતી અને ઉપરની તરફ વાળ ઓળ્યા હતા. તેની બાજુમાં કોઈ માણસ બેઠો હતો, પણ ગાડીનો કાચ તૂટી જતાં તે બરોબર દેખાયો નહીં. એ અકસ્માત કરનારને કઠોરમાં કઠોર શિક્ષા થવી જોઈએ. જોકે એ પછી પણ કંઈ મારી વાઇફ પાછી મળવાની નથી.’
સંજય રાઉતનું નૉનસેન્સ અટકચાળું : શાહ અટક ધરાવતા લોકો ગુનો કરીને પલાયન થનારા
વરલીના હિટ ઍન્ડ રનના ગઈ કાલના કેસમાં શિવસેનાના ગુજરાતી નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર પલાયન થઈ ગયો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે આ મામલે કેન્દ્રીય પ્રધાન અમિત શાહને નિશાના પર લેવાની સાથે શાહ અટક ધરાવતા બધા લોકોને ગુનેગાર હોવાનું કહ્યું હતું. સંજય રાઉતે કહ્યું હતું કે ‘વરલીની ઘટનાના આરોપીનું નામ મિહિર શાહ છે. શાહ અટક ધરાવતા લોકો ગુનો કરીને પલાયન થનારા છે. શિંદે જૂથના લોકો આજે ફરાર થઈ રહ્યા છે. આવતી કાલે શિંદે પણ ફરાર થઈ જશે. એક ગુંડાની ટોળકી આજે સરકાર ચલાવી રહી છે.’ દરમ્યાન સંજય રાઉતે વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લોકસભાની ચૂંટણી લડનારા કૉન્ગ્રેસના નેતા અજય રાયની મુલાકાત કરી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે ‘૧૦૦ ટકા મોદી અને અમિત શાહ વધુ દિવસ દિલ્હીમાં ટકશે નહીં. આગામી સમયમાં નરેન્દ્ર મોદી વારાણસીમાંથી ચૂંટણી લડવાની સ્થિતિમાં નહીં રહે.’