14 May, 2024 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સફાઈ-કર્મચારી સુનીલ કુંભાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સફાઈ-કર્મચારીઓ રસ્તાને સ્વચ્છ જ નથી કરતા, અનેક વખત ઈમાનદારીનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. ચોપાટી પાસે આવેલા વિસ્તારમાં સફાઈ કરતી વખતે સફાઈ-કર્મચારી સુનીલ કુંભારને રસ્તા પરથી સોનાનું ૧૦ તોલાનું બિસ્કિટ અને પાંચ તોલાની લગડી મળી આવ્યાં હતાં. પોતાની પાસે આ વસ્તુઓ રાખવાને બદલે તેણે તેના વરિષ્ઠ અધિકારીઓને આ વાતની જાણ કરી હતી. તેમણે ત્યાર બાદ પોલીસનો સંપર્ક કરીને લગભગ ૧૫ તોલાની આસપાસની ૧૧ લાખ રૂપિયાની આ વસ્તુઓ ડી. બી. રોડ પોલીસને સોંપી દીધી હતી.
સુનીલના વરિષ્ઠ મુકાદમ કિશોર જિતિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીલને આ વસ્તુઓ મળ્યા બાદ તે મારી પાસે આવ્યો હતો અને અમે ત્યાં જઈને તપાસ કરી કે કોઈનું પડી તો નથી ગયુંને? બધે તપાસ કરવા છતાં એ કોઈનું ન હોવાનું જણાઈ આવ્યું હતું. એક દિવસ અમે આ વસ્તુઓ અમારી પાસે રાખી હતી. અમને લાગ્યું કે જેની એ વસ્તુ હશે તે આવીને લઈ જશે. અમે આસપાસ બધાને કહી રાખ્યું હતું કે કોઈ તપાસ કરવા આવે તો અમારો સંપર્ક કરવા કહેજો. જોકે કોઈ ન આવતાં અમે બિસ્કિટ અને લગડી પોલીસને આપવાનો નિર્ણય લીધો હતો. ગઈ કાલે ડી. બી. રોડ પોલીસ-સ્ટેશનમાં કૉન્સ્ટેબલ દીપક દાવરેને આ બિસ્કિટ અને લગડી સોંપવામાં આવ્યાં હતાં. પોલીસ પણ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને અન્ય રીતે તપાસ કરી રહી છે. અમને અમારા સફાઈ-વિભાગના કર્મચારી પર ગર્વ છે કે ઈમાનદારી બતાવીને તેણે ૧૧ લાખ રૂપિયાની આસપાસની વસ્તુઓ પોલીસને સોંપી દીધી હતી.