કરોડો રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનાર મોટી પાર્ટીઓને BMCએ જપ્તીની નોટિસ મોકલાવી

27 November, 2024 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આવકનો મુખ્ય સ્રોત પ્રૉપર્ટી ટૅક્સ છે. બિલ મળ્યા પછી ૯૦ દિવસમાં એ ભરી દેવાનો હોય છે. જોકે એવી ઘણીબધી પાર્ટીઓ છે જે અનેક નોટિસો મોકલાવ્યા છતાં પ્રૉપર્ટી ટૅક્સ ભરવાનું ટાળે છે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આવકનો મુખ્ય સ્રોત પ્રૉપર્ટી ટૅક્સ છે. બિલ મળ્યા પછી ૯૦ દિવસમાં એ ભરી દેવાનો હોય છે. જોકે એવી ઘણીબધી પાર્ટીઓ છે જે અનેક નોટિસો મોકલાવ્યા છતાં પ્રૉપર્ટી ટૅક્સ ભરવાનું ટાળે છે. તેમના દ્વારા કરોડો રૂપિયાનો ટૅક્સ ચુકવાયો નથી. હવે BMCએ એવી પાર્ટીઓને ફરી તેમને કાયદાની જોગવાઈ અનુસાર કલમ ૨૦૩ હેઠળ જપ્તીની નોટિસ મોકલાવી છે. મોટી ૧૦ પાર્ટીઓ પાસે BMCએ ૨૨૨ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો નીકળે છે. જો તેમણે હવે નિર્ધારિત કરાયેલા સમય દરમ્યાન એ પ્રૉપર્ટી ટૅક્સ ન ભર્યો તો તેમની જગ્યા જપ્ત કરી એનું લિલામ કરી એમાંથી એ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાની સત્તા BMCને છે. 

પ્રોસીજર અનુસાર પ્રૉપર્ટી ટૅક્સનું બિલ મળ્યાના ૯૦ દિવસમાં એ પ્રૉપર્ટી ટૅક્સ ભરવાનો હોય છે. જો એ ન ભરવામાં આવે તો BMCના અધિકારીઓ પાર્ટીનો જાતે સંપર્ક કરી તેમને એ પ્રૉપર્ટી ટૅક્સની રકમ ભરવા જણાવે છે. જો એ પછી પણ ટૅક્સની રકમ ન ભરવામાં આવે તો તેમને ડિમાન્ડ લેટર મોકલવામાં આવે છે. એ પછીના તબક્કામાં ૨૧ દિવસમાં ટૅક્સ ભરો એવી લાસ્ટ નોટિસ મોકલવામાં આવે છે. એ આપ્યા પછી પણ જો ટૅક્સ ન ભરવામાં આવે તો જપ્તીની નોટિસ મોકલાય છે. 

કેટલીક પાર્ટીઓને વારંવાર કહેવા છતાં અને નોટિસ મોકલાવ્યા છતાં પ્રૉપર્ટી ટૅક્સ ન ભરતી હોવાથી હવે એમને જપ્તીની નોટિસ મોકલાવી તરત ટૅક્સની રકમ ભરો એમ જણાવાયું છે.

brihanmumbai municipal corporation property tax mumbai news mumbai news